આ ત્રિમંદિરમાં જૈન, શૈવ અને વૈષ્ણવ ત્રણ મુખ્ય સંપ્રદાયોના ભગવંતોની મુળ નાયક તરીકે સ્થાપના થશે
જામનગરમાં ટીજીઈએસ સ્કુલ પાસે, રાજકોટ રોડ પર જ્ઞાની પુરુષ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર નિર્મિત થયેલ છે. આ ત્રિમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દાદા ભગવાન દીક્ષિત આત્મજ્ઞાની દિપકભાઈ દેસાઈના વરદ હસ્તે તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ થશે.
બે દિવસનો સત્સંગ-જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તથા ત્રીજા દિવસે ત્રિમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા.૨૨ ફેબ્રુઆરીના શુક્રવારે સાંજે ૭ થી ૧૦ પ્રશ્નોતરી સત્સંગ તથા તા.૨૩ ફેબ્રુઆરી સાંજે ૬:૩૦ થી ૧૦:૦૦ આત્મજ્ઞાન પામવાનો ભેદજ્ઞાનનો પ્રયોગ-જ્ઞાનવિધિનો કાર્યક્રમ યોજાશે. આ પ્રશ્નોતરી સત્સંગમાં, આત્મા શું છે ? આત્મસાક્ષાત્કાર કેવી રીતે થાય ? કર્મબંધન શેનાથી છે અને તેનાથી મુકિત કેવી રીતે થાય ? મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય ? આપણે કોણ ? જગત કોણ ચલાવે છે ? ભગવાનનું સાચું સ્વરૂપ શું છે ? સાચો ધર્મ જીવનમાં કેવી રીતે પરીણમે ? ક્રોધ-ચિંતા કેવી રીતે બંધ થાય ? પતિ-પત્ની વચ્ચે ઉભા થતા સંઘર્ષોનું કેવી રીતે નિરાકરણ લાવવું ? બાળકોમાં સંસ્કાર સિંચન કઈ રીતે કરવું ? આપને આપના જીવન વ્યવહારમાં મુંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અહીં મળી શકે તેમ છે.
આ ત્રિમંદિરની મુખ્ય વિશેષતા એ છે કે જૈન, શૈવ અને વૈષ્ણવ ત્રણ મુખ્ય સંપ્રદાયોના ભગવંતોની મુળ નાયક તરીકે સ્થાપના થશે, મધ્યમાં વર્તમાન તીર્થકર સીમંધર સ્વામી ભગવાનની પદમાસન મુદ્રાની ૯ ફુટની ભવ્ય પ્રતિમા એમના શાસન દેવ-દેવી ચાંદ્રાયણ યક્ષ દેવ તથા પાંચાગુલી યક્ષિણી દેવી, વર્તમાન ચોવીસીના ચાર તીર્થંકરો-ઋષભદેવ ભગવાન, અજિતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન તથા મહાવીર ભગવાનની પ્રતિમાઓ સ્થાપિત થશે. મંદિરમાં પ્રવેશ કરતા ડાબી બાજુ શિવ ભગવાનની સ્થાપના તરીકે મોટા કદના શિવલીંગનું સ્થાપન થશે સાથે પાર્વતી દેવી, ગણપતિજી, હનુમાનજીની અને પદમાવતીદેવીની સ્થાપના થશે. ડાબી બાજુની દેરીમાં પદમનાભ પ્રભુની સ્થાપના થશે. પ્રાણ પ્રતિષ્ઠા પુરી થયા બાદ મંદિર ભકતજનો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાશે. સર્વે ભકતજનોને આ અનેરા પ્રસંગનો લાભ લેવા અનુરોધ છે.