પ્રમુખસ્વામી મહારાજનગર મેડીકો-આધ્યાત્મિક પરિષદમાં મહાનુભાવોએ લીધો ભાગ
મહોત્સવના ચતુર્થ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્ર્વના 19 જેટલાં દેશોના 150 કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા 33 જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા અદ્ભૂત ભક્તિ સંગીતની પ્રસ્તુતિ થઈ. સિમ્ફની નામથી પ્રખ્યાત આ સંગીત કાર્યક્રમમાં વિશ્ર્વના અનેક સંગીતજ્ઞ ભક્તો જોડાયા હતા તથા સવારના સત્રમાં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મેડીકો-સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર સિંહ જાડેજા (ચેરમેન – આઇએમએ ગુજરાત દર્શન)એ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે ભાવનગરમાં 1990 માં મારા ઘરે પધરામણી કરીને મને આશીર્વાદ આપ્યા હતા. આ નગરની મુલાકાત પછી મેનેજમેન્ટ શીખવા મળે છે.
પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે વિપત્તિઓમાં ધીરજ રાખીને, સકારાત્મક વલણ કેળવીને કાર્યો કર્યાં છે, પરિણામસ્વરૂપ બીએપીએસ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ક્ધસલટેટીવ સ્ટેટસ ધરાવે છે. પ્રમુખસ્વામી મહારાજની અસીમ શ્રદ્ધા અને ખંતને કારણે જ નિઝડન, લંડનમાં અજાયબી સમું મંદિર શક્ય બન્યું. જીવનમાં સકારાત્મક રહેવા અને સમતા કેળવવા સખત પુરુષાર્થની સાથે ભગવાન સર્વ-કર્તા છે તે સમજણ કેળવવી જોઈએ.
ડો.મહાદેવ દેસાઇ, ઇન્ટરનલ મેડિસિનએ જણાવ્યું હતું કે “હું પ્રમુખસ્વામી મહારાજના પ્રતાપે આજે શાકાહારી છું. 40 વર્ષ પહેલાં જ્યારે હું તેમણે મળ્યો ત્યારે તેમણે મને શાકાહાર પર લેખ લખવા કહ્યું. મેં વિચાર્યું કે હું સંપૂર્ણ શાકાહારી બનીને જ આ વિષય પર લખી શકીશ. જીવમાત્ર પ્રત્યે કરૂણા, અહિંસા, સાત્વિક ભોજન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે શાકાહાર અપનાવવો જોઈએ.
પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા: બ્રહ્મવિહારી સ્વામી
માનવ જીંદગી સાથે નિકટથી કાર્ય કરતાં આપ સૌને નગર સંયમની પ્રેરણા આપી શકે તેમ છે. પ્રમુખસ્વામી મહારાજે સમજાવ્યું કે અધ્યાત્મ ઝંઝાવાત નથી, તે તો પવનની હળવી લહેરખી જેવું હોવું જોઈએ, જેને માનવી સહજતાથી માણી શકે. પ્રમુખસ્વામી મહારાજે આધ્યાત્મિકતાની વ્યાખ્યા બદલી નાખી. તેમણે 40 લાખ લોકોને વ્યસનમુક્ત કર્યા. તેમના પ્રેમે લોકોના જીવન બદલ્યા. જો તમારે પરિવર્તન લાવવું છે, તો તે પ્રેમથી આવશે. પ્રમુખસ્વામી મહારાજે પ્રત્યેક કાર્ય નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા કર્યું. પોતાનાથી મહાન એવી શક્તિ અને ધ્યેયમાં વિશ્ર્વાસ, સ્વનિયંત્રણ, અન્યો પ્રત્યે શુભ-ભાવના અને કરૂણા આપણા જીવનમાં શાંતિ લાવશે. જો તમે અન્યની સુખાકારી માટે પ્રયત્ન કરશો તો સુખ તમને શોધતું આવશે.