બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિને  ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, નડિયાદનું લોકાર્પણ બીએપીએસ ના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે સવારે યોજાયેલ પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને સાંજે ભવ્ય લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, સત કેવલ જ્ઞાન સંપ્રદાય-સારસાના અનંત વિભૂષિત જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ  તેમજ હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યોને ઉજાગર કરતું,  સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને સામાજિક સેવાઓ અને આધ્યાત્મિક શિક્ષણનું ઉત્તમ સ્થાન બની રહેશે. ગુજરાત વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય   પંકજભાઈ દેસાઈ, ગુજરાત સરકારના સહકારી મંત્રી   જગદીશ ભાઈ વિશ્વકર્મા, મહેમદાવાદ ના ધારાસભ્ય  અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય  સંજયસિંહ, માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય   યોગેન્દ્રસિંહ પરમાર અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નડિયાદનું પરમ પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા અને લોકાર્પણ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ સ્થાને મોટું મંદિર રચવા સંકલ્પ કર્યો હતો, જે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્ણ થયો છે. સવારે મૂર્તિપ્રતિષ્ઠા વિધિમાં સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા વૈદિક મહાપૂજા બાદ પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ અને આરતી તથા ભવ્ય અન્નકૂટ દ્વારા ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું. ભગવાન   સ્વામિનારાયણ- ગુણાતીતાનંદ સ્વામી( અક્ષરપુરુષોત્તમ મહારાજ),  હરિકૃષ્ણ મહારાજ,  ઘનશ્યામ મહારાજ, શ્રી રામ પરિવાર, શ્રી રાધાકૃષ્ણ ભગવાન ,  શિવ પરિવાર,   નીલકંઠવર્ણી અને   ગુણાતીત ગુરુપરંપરાના ગુરુવર્યોની મૂર્તિઓ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્યક્ષ ઉપસ્થિત અને વર્ચ્યુઅલ લાભ લઈ રહેલાં હજારો હરિભક્તો-ભાવિકોએ દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું.

પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં વર્ણવેલ પરંપરાગત મંદિર સ્થાપત્યશસ્ત્ર અનુસાર નિર્મિત આ મંદિર આવનારી અનેક શતાબ્દીઓ સુધી અડીખમ રહેશે.

ઉદ્ઘાટન નિમિત્તે આજના સાંધ્ય કાર્યક્રમમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યને અંજલિ અર્પતાં વક્તવ્યો અને કાર્યક્રમો પ્રસ્તુત થયા હતા.  બાળમંડળ દ્વારા મંદિરના ગૌરવ અને સર્જનને પ્રતિબિંબિત કરતી ‘ યે મંદિર મેરા, હરતા અંધેરા’ નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી.

બીએપીએસ ના પૂ. ધર્મનિલયદાસ સ્વામી દ્વારા આબાલવૃદ્ધ સૌના દ્વારા મંદિરનિર્માણમાં તેઓના યોગદાનને વર્ણવતા પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. બાળમંડળના 7 વર્ષીય બાળક ધ્રુવના પ્રસંગ દ્વારા બાળકો કેવી રીતે તેઓના જીવનમાં નિયમ પાલનની દ્રઢતા રાખે છે, તેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો. મંદિર ઘોર કળિયુગમાં ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કરે છે.

પ્રમુખસ્વામી મહારાજ અને બાળકોના નિસ્વાર્થ પ્રેમને વાચા આપતા વિડીયો – ‘ સ્વામી મારા અને હું સ્વામીનો’ ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આજે લોકાર્પણ પ્રસંગે ખાસ પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી   ભૂપેન્દ્રભાઈ પટેલનું  બીએપીએસના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓના દર્શન અને મંદિર સંકુલનું નિરીક્ષણ કરીને તેઆ  ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતિ અને મંદિર લોકાર્પણ’ ની સભામાં પધાર્યા હતા. આ પ્રસંગે  પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને  મુખ્ય મંત્રીના  હસ્તે મંદિર લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે મંદિરો દ્વારા  ચારિત્ર્યશીલ સમાજનું નિર્માણ કર્યું છે.  સત કેવલ જ્ઞાન સંપ્રદાય-સારસાના અનંત વિભૂષિત જગદગુરુ  અવિચલદેવાચાર્યજી મહારાજે હિન્દુ એકતાની વાત દ્રઢ કરાવી હતી અને ઇઅઙજ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ દ્વારા હિન્દુ જાગૃતિના કાર્યોની  સરાહના કરી હતી. બીએપીએસ સંસ્થા સનાતન ધર્મના પાયાના મૂલ્યોને મજબૂત કરવા પુરુષાર્થ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.