મહિલા દિને નારી ઉત્કર્ષની વિશેષ ઝલક જોવા મળી
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રેમવતી ઉપાહાર ગૃહ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત
જન્મજયંતી મહોત્સવનું મનમોહક દ્રશ્ય: પ્રમુખસ્વામી મહારાજની આરતી કરતા સ્વયંસેવકો
18 મી સદીમાં જ્યારે સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણે મહિલા ઉત્કર્ષની જ્યોતિ પ્રગટાવી હતી. ભગવાન સ્વામિનારાયણે કરેલાં નારી ઉત્કર્ષનાં કાર્યોમાં તેઓના સર્વતોમુખી ઉત્કર્ષ અને આધ્યાત્મિક વિકાસની ખેવના હતી.
ભગવાન સ્વામિનારાયણનાં કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. બીએપીએસ સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.
ક્ધયા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યસંકુલોની સાથે સાથે બીએપીએસ સંસ્થાના વિવિધ સત્સંગ કેન્દ્રો ખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે. પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે.1975 થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્ર્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે. ત્યારે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના મહિલા દિને સંધ્યા કાર્યક્રમ: સાંજે 4.45 વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો.
કાર્યક્રમમાં અનેકવિધ મહિલા અગ્રણીઓએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે આપણાં સૌના માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ મહાન ઉત્સવ છે. આપણે આપણી દીકરીઓને સમાજમાં આવતા પરિવર્તનો સાથે પરિચિત કરાવવા જોઈએ અને એ જ દર્શાવતી સુંદર નૃત્ય નાટિકા અહી પ્રદર્શિત કરી છે તે માટે હું આ બી.એ.પી.એસ સંસ્થાનો આભાર માનું છું કારણકે આ નાટિકા સમગ્ર ભારતભરમાં જાગૃતિ લાવવા માટે કરવી જોઈએ જેથી આપણે આપણી દીકરીઓને બચાવી શકીશું.
33,000 સ્વયંસેવક બહેનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા કરી રહ્યા છે અને મહિલાઓની તાકાતને માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ સમજી શક્યા છે. પ્રમુખસ્વામી મહારાજે લાખો બાળ બાલિકાઓને સેવા કરાવતા કરાવતા ઉચ્ચ જીવન જીવવાના પાઠ અને મૂલ્યો શીખવ્યા છે.
ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે આ સુંદર નગરીના દર્શન કરીને તમામ દ્રશ્યો મારા અંતરમાં ઉતરી ગયા છે.”વસુધૈવ કુટુમ્બકમ” ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે જે ઉત્તમ એન્ડ શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં અનોખું યોગદાન આપશે. પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતા અને સ્વચ્છતામાં સ્વયંસેવક બહેનોનું અનોખું યોગદાન જોવા મળે છે માટે સાચા અર્થમાં પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણનું કાર્ય કર્યું છે એવું હું દ્રઢપણે માનું છું. દીકરી એ બે ઘરને સાચવતી હોય છે એ રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ સ્વયંસેવક બહેનો બધાને સાચવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા મંદિરોમાંથી ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળે છે.
એકેડેમીક કોન્ફરન્સમાં ઓરોવીલ ફાઉન્ડેશનના સેક્રેટરી, આઇ.એ.એસ. ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનો અવસર સાંપડ્યો તે સદ્ભાગ્ય છે. ભક્તિ અને સમર્પણ દ્વારા સંવાદિતાસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમણે બી.એ.પી.એસ. દ્વારા થઈ રહેલાં તમામ કાર્યોની સરાહના કરી.
ડો. નીતા શાહે 18 મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા અને તે જ પરંપરામાં પ્રમુખસ્વામી મહારાજે કેવી રીતે નારી ઉત્કર્ષના કાર્યને આગળ ધપાવ્યું તેના પર પ્રકાશ પાડયો.
મુંબઈની સથાયે કોલેજના દર્શનવિભાગના પૂર્વ અધ્યક્ષ ડો.પૂર્ણિમા દવેએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે મહિલા લેખકો અને કેવળ મહિલાઓ માટે કોન્ફરન્સના આયોજનોને ઉતેજન આપ્યું. ભગવાન સ્વામિનારાયણે ચરિત્ર્યનિર્માણ, દલિત ઉત્થાન અને નારી ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કર્યું.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં પૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર એવા ડો. રંજના હરિશે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે મોક્ષ માર્ગમાં સ્ત્રીઓને ભક્તિ કરવા અધિકારો આપ્યા. નારીને ગૌરવ અપાવ્યું. જીવનમાં મુશ્કેલીના સમયમાં પ્રમુખસ્વામી મહારાજે પત્ર લેખન દ્વારા આપેલ માર્ગદર્શનની સ્મૃતિ તેમણે કરી હતી.