2000માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિશ્વશાંતિ ધર્મ પરિષદમાં પ્રથમ વખત ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતી ભાષાનું ગૌરવ અપાવ્યું
ગુજરાતની સંસ્કૃતિને ઘડવામાં, તેને ઉદ્ધારવામાં, સંસ્કારવામાં અને અધ્યાત્મ પ્રત્યે અભિમુખ કરવામાં ભગવાન સ્વામિનારાયણનું અભૂતપૂર્વ પ્રદાન છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં સર્વતોમુખી સમાજ ઉત્કર્ષના કાર્યોની ભાગીરથીને તેઓની ગુણાતીત સંતપરંપરમાં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત, ભારત અને વિશ્વભરમાં પ્રવાહિત કરી. ગરવી ગુજરાતને ગુણવંતું બનાવવામાં જેઓનો સિંહફાળો છે તેવા વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ગુજરાતના સમાજજીવનમાં વિરાટ ભૂમિકા અને તેમના પ્રદાનોને આજની સભામાં વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા અંજલિ આપવામાં આવી હતી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગુજરાત ગૌરવ દિને સંધ્યા કાર્યક્રમ સાંજે 4.45 વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો. જાણીતા ગાયક હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને ઓસમાણ મીર દ્વારા ભજન સંગતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે આ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજ માટે કરવામાં આવ્યું છે કારણકે તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના વિકાસમાં અનોખું યોગદાન આપ્યું છે. જ્યારે જ્યારે રાજ્યમાં મુશ્કેલી આવી ત્યારે તત્કાળ મોટા પાયે રાહતકાર્યો કર્યા છે.નર્મદા યોજનાની પરિપૂર્તિ માટે પ્રમુખસ્વામી મહારાજે નિ:સ્વાર્થ ભાવે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે.
યોગીજી મહારાજ જ્યારે જ્યારે નર્મદા નદી પરથી પસાર થતા ત્યારે નર્મદા યોજના માટે પ્રાર્થના કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં અનેક વિદ્યાધામ બનાવીને બાળકોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું છે.જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયાએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત અને ગુજરાતી ભાષાને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવ્યું છે અને યુએનના ઇતિહાસમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ વખત વિશ્વ ધર્મ પરિષદમાં ગુજરાતી ભાષામાં પ્રવચન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે.
જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, હેમંત ચૌહાણ, રાજભા ગઢવી, ઓસમાણ મીરે ભજન સંગતનો કાર્યક્રમ રજૂ કર્યો
પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા વિશ્વભરના વિદ્યાલયોમાં પણ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવામાં આવે છે. સૌથી જૂનો ગઢ ગિરનાર એ ગુજરાતમાં છે અને સૌથી જૂનું નગર લોથલ પણ ગુજરાતમાં આવેલું છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ગુજરાતી, અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી, અવકાશ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી, લશ્કરના પિતામહ સામ માણેકશા પણ ગુજરાતી હતા. આધુનિક ભારતના નિર્માતા નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતી છે.જાણીતા લોક સાહિત્યકાર અને ગાયક ભીખુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં મેં અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેઓ નાના બાળકની જેમ હસતા હતા, તેવું પવિત્ર એમનું હાસ્ય હતું.
પ્રમુખસ્વામી મહારાજ નગરને વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી, તેવું ભવ્ય અને દિવ્ય આ નગર છે. પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એકદમ ઋજુ હતું અને એમના ચરણોમાં વંદન કરીએ એટલે બધું જ આવી જાય.”શાંતિ પમાડે તેને સંત કહીએ , એના દાસના દાસ થઈને રહીએ” એવા શાંતિ આપનારા સંત પ્રમુખસ્વામી મહારાજ હતા અને મહંતસ્વામી મહારાજ છે.’ સંતોનો સ્વભાવ છે એવો , જનેતાની ગોદના જેવો’ આ પંક્તિને ચરિતાર્થ કરતા પ્રમુખસ્વામી મહારાજે સૌને જનેતાની જેમ પ્રેમ આપ્યો છે અને લોકોના દિલોમાં સ્થાન પામ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોના મુખમાંથી નીકળતા વેણ એ મોતી જેવા વેણ છે જેનો ચારો કરી લઈશું તો જીવન બદલાઈ જશે.હાસ્ય કલાકાર અને સંગીતકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું અને તેઓને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જો ‘ઈં’ એટલે કે અહંકારને આડો પાડી દઈએ તો ભગવાન સુધી પહોંચવાનો પુલ બની જાય.
પ્રમુખસ્વામી મહારાજ આવા અહંશૂન્ય પુરુષ હતા. આ મહોત્સવ ન જોયો હોત તો વસવસો રહી જાત. દાદા ભગવાન ફાઉન્ડેશનના પૂ.દીપકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ હતા કે દરેકના દિલમાં વસી જાય. અનેક લોકોના કલ્યાણને અર્થે ઘરો ઘર વિચરણ કર્યું છે અને અનેક લોકોની દાવાનળ રૂપી અગ્નિને શાંત કરી છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવેલો પ્રખર ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોવા મળતો હતો અને તેઓ દેહભાવથી પર હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવનમાં પોતાના ગુરૂહરિને રાજી કરવા મન વચન અને કાયાથી અથાગ પુરુષાર્થ કર્યાં છે અને એ જ એમનો સર્વોચ્ચ ધ્યેય હતો. સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ ભલે સ્થૂળ દેહ અહી હાજર નથી પરંતુ સુક્ષ્મદેહે નિરંતર આપણી સાથે છે.
દરેક હરિભક્તોને ખરાબ સમયમાં હંમેશા એવી અનુભૂતિ થતી હતી કે,”પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે છે અને તેમની હૂંફ અને પ્રેમ મારી પાસે જ છે , તેઓ હાજરાહજૂર જ છે.” સ્વયંસેવકો અહી નિ:સ્વાર્થ ભાવે સેવા કરે છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય કૃપા રહેલી છે કારણકે તેઓએ ખુદ પોતાનો દેહ ઘસી નાખીને અન્યને માટે જીવ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ અલૌકિક અને ધાર્મિક નગરી છે જ્યાં શાંતિના સ્પંદનો અનુભવાય છે. સદીઓ સુધી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ માનવજાતને મળતા રહેશે.
પ્રાર્થના+પુરૂષાર્થ = ‘સફળતા’એ સૂત્ર તેમના આધ્યાત્મિક જીવનનો નિચોડ હતો: વિજયભાઇ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી)
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્ય અને દિવ્ય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજનું જીવન માત્ર અને માત્ર પોતાના કલ્યાણ માટે નહિ પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે હતું અને તેના માટે તેઓ અન્યને પ્રેરણા મળે તેવું જીવન જીવ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ લોકોમય હતા કારણકે તેઓ નાનામાં નાના માણસથી લઈને અનેક લોકોના ઘરે પધરામણી કરી છે , પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે. “પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા” સૂત્ર તેમના આધ્યાત્મિક જીવનનો નિચોડ હતો.
ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી મહારાજ જીવ્યા છે.અક્ષરધામ હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજ સતત નરેન્દ્રભાઇ મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે સંપર્કમાં હતા અને આવી ગંભીર સ્થિતિમાં પણ સમ્યક ભાવે બધી વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યા હતા અને શાંતિનો સંદેશો વિશ્વભરમાં આપ્યો હતો. જેના લીધે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં શાંતિ સ્થાપી હતી. આજે ગુજરાત સમૃદ્ધ અને સલામત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજનો પુરુષાર્થ રહેલો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવથી આવનારા સમયમાં સદીઓ સુધી અનેક લોકોના જીવન પરિવર્તન થશે તેવો મને પૂર્ણ શ્રદ્ધા છે.