- માતા સાથે ડીએનએ મેચ થયા: અગ્નિકાંડના સમયથી પ્રકાશની ગાડી પણ ઘટના સ્થળે જ પડી હતી
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેઇમ ઝોનમાં સંચાલકોની બેદરકારીથી લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં ટીઆરપી ગેઇમ ઝોનનો મુખ્ય ભાગીદાર એવો પ્રકાશ હિરણ પોલીસ ચોપડે ભાગેડુ જાહેર થાય તે પહેલાં મૃત જાહેર થયો છે. પ્રકાશ હિરણના ડીએનએ તેમની માતા સાથે મેચ થયાનો રિપોર્ટ ગત રાત્રે આવ્યો હતો.
મૃતક પ્રકાશ હિરણ ટીઆરપી ગેઇમ ઝોનમાં મુખ્ય ભાગીદાર હતો. સૂત્રો મુજબ તે ટીઆરપીમાં 60 ટકાનો ભાગીદાર હતો. 25મીએ શનિવારે ટીઆરપી ગેઇમ ઝોનમાં આગ લાગી ત્યારથી તે લાપતા હતો. જોકે વીડિયો ફૂટેજમાં પ્રકાશ હિરણ આગ લાગ્યા બાદ અંદર રહેલા લોકોને બચાવવા દોડાદોડી કરતો હોવાનું જણાયું હતું. બાદમાં તેમનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. બીજી તરફ આગની દુર્ઘટનાના આરોપી તરીકે પ્રકાશનું નામ નોંધાયું હતું.
આ સ્થિતિમાં એક તબક્કે સરકારી તંત્ર દ્વારા પ્રકાશ હિરણને ભાગેડુ જાહેર કરવાની તૈયારી થઈ ગઈ હતી જ્યારે તેના ભાઈએ પોલીસને અરજી આપીને પ્રકાશ હિરણ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હોવાની ભીતિ વ્યક્ત કરી હતી. આગ ફાટી નીકળી ત્યારથી પ્રકાશની ગાડી પણ ટીઆરપી ખાતે ઘટના સ્થળે જ પડી રહી હતી.
પ્રકાશના ભાઈની અરજીને પગલે તેમની માતાના ડીએનએ સેમ્પલ અમદાવાદથી લેવામાં આવ્યા હતા અને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ગત રાત્રે આ ડીએનએ સેમ્પલ મેચ થઈને આવતા પ્રકાશ હિરણ મૃત જાહેર થયો છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ ચોપડે જાહેર થયેલા 27 મૃતકમાં પ્રકાશ હિરણનું ક્યાંય નામ નથી. એવામાં આવી કેટલી અન્ય વ્યક્તિ હશે જેમનાં નામ-ઉલ્લેખ મૃતકોમાં નથી અને લાપત્તા તરીકે તપાસની ગંભીરતામાં લેવાતી નથી. આ સાથે આગની ભીષણતા-ભયાવહતાનો પણ ચિતાર મળે છે, જેમાં માનવ શરીરો એ હદે સળગ્યાં છે કે તેમના અવશેષો પણ મળતા નથી.