મની લોન્ડરીંગ કેસમાં ઇડીએ પ્રફૂલ પટેલ ફરતે ગાળિયો મજબૂત કર્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને દાઉદના સાગરીત ઇકબાલ મિર્ચી સાથેના કથિત જમીન સોદાના કેસમાં તેમજ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ બજાવવામાં આવ્યો છે. યુપીએનાં શાસનમાં નાગરિક ઉડ્ડયનપ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલને ૧૮ ઓક્ટોબરે મુંબઈમાં પૂછપરછ માટે હાજર થવા આદેશ અપાયો છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પટેલનું નિવેદન રેકોર્ડ કરાશે. પ્રફુલ્લ પટેલ તેમજ તેમના પત્ની અને ઇકબાલ મિર્ચીનાં પત્ની દ્વારા રિયલ એસ્ટેટ કંપની સ્થાપવામાં આવી હતી અને જમીનનો સોદો કરાયો હતો. આ અગાઉ ઈડી દ્વારા એવિએશન કૌભાંડમાં પણ તેમની પૂછપરછ કરાઈ હતી. મહારાષ્ટ્રમાં ૨૧મીએ વિધાનસભા ચૂંટણીનું મતદાન થવાનું છે તે પહેલા ઈડીનો સમન્સ પટેલ માટે મુશ્કેલીઓ સર્જશે.
બીજી તરફ આઇએનએક્સ મીડિયા કેસમાં આરોપી કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમને એક તગડો ઝટકો લાગ્યો છે. દિલ્હીની સીબીઆઈ કોર્ટે ઈડીને ચિદમ્બરમની ધરપકડ કરવાની મંજૂરી આપી છે. ઈડીએ આ જ કેસમાં મની લોન્ડરિંગના કેસમાં પૂછપરછ કરવા માટે ચિદમ્બરમની અટકાયતની માગ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. ચિદમ્બરમ હાલમાં આ કેસમાં સીબીઆઇની ધરપકડ હેઠળ છે. તેમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. સ્પેશિયલ સીબીઆઇ અજયકુમાર કુહારે ઈડીને તિહાડ જઈને ચિદમ્બરમની પૂછપરછ કરવાની અને જરૂર પડે તો તેમની ધરપકડ કરવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે પટેલની મિલેનિયમ ડેવલપર્સ પ્રા. લિ. દ્વારા ૨૦૦૬-૦૭માં સીજે હાઉસ નામનું બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હતું જેમાં ત્રીજો અને ચોથો મજલો મિર્ચીની પત્ની હાઝરા ઇકબાલના નામે ટ્રાન્સફર કરાયો હતો. જે જમીન પર ઇમારત બંધાઈ હતી તે દાઉદના સાગરીત ઇકબાલ મિર્ચીની માલિકીની હતી. આ જમીન મિર્ચી દ્વારા મની લોન્ડરિંગ કરીને તેમજ ડ્રગ્સની હેરાફેરી અને ખંડણી દ્વારા મેળવવવામાં આવેલા પૈસામાંથી ખરીદવામાં આવી હતી. મિર્ચીના સાગરીત હારૂન યુસુફ દ્વારા દુબઈમાં ખરીદવામાં આવેલી ફાઈવ સ્ટાર હોટલના સોદામાંથી મળેલી રકમનું મની લોન્ડરિંગ કરાયું હતું તેમજ જમીનનો સોદો કરાયો હતો. ઈડીની તપાસ મુજબ જો જમીન સોદામાં દુબઈ કનેક્શન સાચું પુરવાર થશે તો પ્રફુલ્લ પટેલની મુશ્કેલી વધશે તેવું મનાય છે.
આ મામલે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે આક્ષેપો કર્યા હતા કે, ઈકબાલ મિર્ચીની પત્ની હાઝરા ઈકબાલ અને કેન્દ્રનાં પૂર્વ પ્રધાન તેમજ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ વચ્ચે કરવામાં આવેલો રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનો જમીન સોદો દેશદ્રોહ સમાન છે. આ મામલે હવે સ્વચ્છ રીતે બહાર આવવાની જવાબદારી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ એનસીપી સુપ્રીમો શરદ પવારની છે. એક અખબારને આપેલી મુલાકાતમાં શાહે કહ્યું હતું કે, અગાઉ મિર્ચી સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી જે પેન્ડિંગ હતી. મિર્ચી ડ્રગ્સમાફિયા હતો અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો જમણો હાથ હતો. તેની પત્ની હાઝરાએ યુપીએ સરકારમાં એવિએશન પ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલ સાથે પ્રોપર્ટીનો સોદો કર્યો હતો. આ કેસમાં ઈડી તેની રીતે પગલાં લેશે પણ મારા મતે આ દેશદ્રોહનો કેસ છે.
જ્યારે પ્રફુલ પટેલનો દાવો છે કે અમે કશું ખોટું કર્યું નથી. આ આખો સોદો પારદર્શક છે.ઇકબાલ મિર્ચીનો ઇતિહાસ કલંકિત હોત તો સત્તાવાળાઓ દ્વારા તે વખતે જ સોદો રોકવામાં આવ્યો હોત. ૧૯૬૩માં આ જમીન સોદાની વાત શરૂ થઈ હતી. સિંધિયા પરિવારે તે જમીન વેચી હતી. જમીનમાં પટેલ પરિવારના ૨૧ લોકો ભાગીદાર હતા. ૧૯૯૦માં બોમ્બે હાઈકોર્ટની દેખરેખ હેઠળ એમ કે મોહમ્મદ દ્વારા આ જમીન હાઝરાઇકબાલને વેચવામાં આવી હતી. આ પછી ૨૦૦૪માં ઇકબાલ મેમણ સાથે સોદો થયો હતો. હાલ આ જમીનની માલિકી મારી કે મારા પરિવારની નથી. પ્રોપર્ટી મેઇન્ટેઇન પણ કરાતી નથી. એનસીપીએ પણ પટેલ પરના આરોપો ફગાવી દીધા હતા.
ઈડીએ તાજેતરમાં જ મિર્ચીનાં બે સાગરીતોની ધરપકડ કરી હતી.ઇકબાલ મિર્ચીનું ૨૦૧૩માં લંડનમાં મોત થયું હતું. મિર્ચી ડ્રગ્સની દાણચોરી અને ખંડણી માગવાના કેસોમાં દાઉદનો જમણો હાથ હતો.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એનસીપી અને કોંગ્રેસને ઘેર્યા હતા. દાઉદ ઇબ્રાહીમ અને પટેલના પરિવાર તેમજ એનસીપી વચ્ચે શું સંબંધ હતા તે પટેલ જાહેર કરે તેમ પાત્રાએ કહ્યું હતું. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ કોંગ્રેસ અને એનસીપીને આ મુદ્દે સ્પષ્ટતા કરવાનો પડકાર ફેંક્યો હતો.