મુલાકાતીઓ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી ઝુમાં આવી શકશે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ હવે દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે. ત્યારે મહાપાલિકા દ્વારા અનલોક-૫ની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાના કારણે છેલ્લા ૭ માસથી બંધ પ્રદ્યુમનપાર્ક ઝુ આજથી સહેલાણીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. જો કે, અગાઉની માફક દર શુક્રવારે ઝુ બંધ રાખવામાં આવશે. હાલ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી લોકો પ્રદ્યુમન પાર્કની મુલાકાત લઈ શકશે.
ગત ૧૮ માર્ચના રોજ રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી પ્રદ્યુમન પાર્ક સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. અનલોક-૪ની ગાઈડ લાઈન મુજબ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય અનલોક-૪માં ઝુ બંધ રાખવામાં આવ્યું હતું. હવે અનલોક-૫ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા આજથી સહેલાણીઓ માટે પ્રદ્યુમનપાર્ક ઝુ ખુલ્લુ મીકી દેવામાં આવ્યું છે. જો કે તકેદારી માટે ૧૦ વર્ષથી નીચેના બાળકો અને ૬૫ વર્ષથી ઉપરના વ્યક્તિને ઝુમાં ન આવવા અપીલ કરી છે. દરેક મુલાકાતીઓનું થર્મોમીટર દ્વારા ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ સહિતની કોવીડની ગાઈડલાઈન મુજબ પાલન કરવામાં આવી રહ્યું છે.