વર્ષ ૨૦૧૮-૧૯માં રેકોર્ડબ્રેક ૭.૫૦ લાખ મુલાકાતીઓએ લીધી ઝુની મુલાકાત: ઝુ હવે સ્વનિર્ભર થવા ભણી
અઢળક કુદરતી સૌંદર્યના સાનિઘ્યમાં ૧૩૭ એકર જમીનમાં પથરાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદ્યુમન પાર્કમાં ઝુમાં મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં પંજાબ અને મૈસુર ઝુ ખાતેથી નવા પ્રાણી અને પક્ષીઓ લાવવામાં આવશે. ગત વર્ષે ઝુમાં રેકોર્ડબ્રેક ૭.૫૦ લાખ મુલાકાતીઓએ મુલાકાત લેતા મહાપાલિકાને રૂ.૧.૭૫ કરોડની આવક થવા પામી છે. ધીમે-ધીમે ઝુ હવે સ્વનિર્ભર બનવા તરફ આગળ ધપી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રદ્યુમન પાર્કમાં ઝુમાં ૭.૫૦ લાખ મુલાકાતીઓએ મુલાકાત લેતા ઝુને ટીકીટ, બેટરી ઓપરેટેડ વાહનની ટીકીટ અને ફુડ કોટ મારફત રૂ.૧.૮૫ કરોડની આવક થવા પામી છે. ઝુનો વાર્ષિક ખર્ચ રૂ.૨.૩૫ કરોડ છે. જેમાં ૪૫ લાખ કર્મચારીઓનો પગાર છે. પગારને બાદ કરવામાં આવે તો હવે ઝુ સ્વનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
સફેદ વાઘણ ગાયત્રીએ ત્રણ નહીં ચાર બચ્ચાને આપ્યો હતો જન્મ
પ્રદ્યુમન પાર્ક ઝુમાં ગત ૩જી એપ્રિલે ગાયત્રી નામની સફેદ વાઘણે ત્રણ સફેદ વાઘનાં બચ્ચાને જન્મ આપ્યો હતો એવી જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જોકે ગાયત્રીએ ત્રણ નહીં પરંતુ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચાની હાલત નાજુક હોવાના કારણે માતા સતત તેની પાસે રહેતી જ હોવાનાં કારણે ચોથા બચ્ચાનો ખ્યાલ આવ્યો ન હતો જોકે ઝુ પરીવારને જયારે ચોથા બચ્ચાની ખબર પડી ત્યારે આ બચ્ચાને પુરતી સારવાર અને દુધ આપીને તંદુરસ્ત બનાવી દેવામાં આવ્યો છે.