બે દિવસની રજામાં પ્રાણી સંગ્રહાલયમાં ભારે ધસારો
કોર્પોરેશનને રૂ.5.40 લાખની આવક
અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મકર સંક્રાંતિ અને રવિવારના રજાના દિવસે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. બે દિવસમાં 21,914 સહેલાણીઓએ ઝૂ ની મૂલાકાત લીધી હતી. 7 માસ પહેલા જન્મેલા બે સફેદ બાળ વાઘે સહેલાણીઓમાં સારી એવી રોમાંચકતા જગાવી હતી. કોર્પોરેશનને રૂ.5.40 લાખની આવક થવા પામી હતી.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
મકરસંક્રાતી તથા રવીવાર એમ 2 દિવસ જાહેર રજા હોય બહોળી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવ્યા હતાં. બે જ દિવસમાં કુલ 21,914 સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.5,40,310/-ની આવક થયેલ છે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેનએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. ઝૂ ખાતે સાત માસ પહેલા જન્મ થયેલ 02 સફેદવાઘ બાળ તેની માતા સાથે ખેલતા કુદતા જોઇ મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થયા હતા. હાલ ઝૂ ખાતે જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ-521 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.