માછલીઘરનું સંચાલન સોંપવાની દરખાસ્ત મંજુર: એન્ટ્રી ફી રૂ.૫ની નિયત કરાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવના કાંઠે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદ્યુમન પાર્ક ઝૂ બનાવવામાં આવ્યું છે. જેના વિકાસ માટે અલગ-અલગ રાજયોમાંથી પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવી રહ્યા છે.

પ્રદ્યુમનપાર્કમાં તાજેતરમાં બનાવવામાં આવેલા એકવેરીયમનું સંચાલન સોંપવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગમાં કમિટીમાં બહાલી આપવામાં આવી હતી. આગામી બે માસમાં ૨૯ પ્રકારની માછલીઓ પ્રદ્યુમનપાર્કની શોભા વધારશે. એકવેરીયમમાં સહેલાણીઓ માટે એન્ટ્રી ફી રૂ.૫ નિયત કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રદ્યુમનપાર્ક ખાતે બનાવવામાં આવેલા માછલીઘરનું સંચાલન ત્રણ વર્ષ માટે અબ્બાસ જરીવાલા નામના વ્યકિતને સોંપવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વર્ષે કોન્ટ્રાકટર દ્વારા મહાપાલિકાને રૂ.૫.૫૦ લાખ, બીજા વર્ષે રૂ.૬.૫૦ લાખ અને ત્રીજા વર્ષે રૂ.૭.૫૦ લાખ આપવાના રહેશે. પ્રદ્યુમનપાર્કમાં બનાવવામાં આવેલા માછલીઘરમાં દેશ-વિદેશમાંથી ૨૯ પ્રકારની માછલીઓ લાવવામાં આવશે. આ એકવેરીયમમાં સહેલાણીઓ માટે રૂ.૫ એન્ટ્રી ફી નિયત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજી ડેમ ખાતે આવેલા માછલીઘરમાં સહેલાણીઓ માટે એક પણ રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી. લોકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. પ્રદ્યુમનપાર્કમાં પહેલેથી જ સહેલાણીઓ માટે રૂ.૨૦ ફી લેવામાં આવે છે અને હવે વધારાની પ રૂપિયા ફી એકવેરીયમ જોવા માટે ચુકવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.