હોમગાર્ડ દળમાં જોડાઈ હોમગાર્ડઝ સભ્ય, એનસીઓ સેકશન લીડર, પ્લાટુન સાર્જન્ટ અને સાર્જન્ટ મેજરના હોદા પરથી ઓફિસર કમાન્ડીંગ હોમગાર્ડઝની ફરજ નિભાવી રહ્યા છે: ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા

ધોરાજી તાલુકાના નાની મારડ ગામ (મુળ વતન) ખાતે જન્મેલા અને પ્રભાસ પાટણ સોમનાથ ખાતે વર્ષો સુધી રહી પોતાની કર્મભૂમિ બનાવી હોમગાર્ડ દળમાં વર્ષ ૧૯૭૯માં જોડાઈને ક્રમશ: હોમગાર્ડઝ સભ્ય એનસીઓ, સેકશન લીડર, પ્લાટુન સાર્જન્ટ અને હાલમાં કંપની સાર્જન્ટ મેજરના હોદા ઉપર રહી પ્રભાસ પાટણ યુનિટના ઓફિસર કમાન્ડીંગ હોમગાર્ડઝની ફરજ અદા કરી રહેલ છે. સુરેન્દ્રસિંહ એ.જાડેજાને તાજેતરમાં પ્રજાસતાક દિનના પર્વ નિમિતે ભારતના સર્વોચ્ચ એવા મહામહિમ રાષ્ટ્રપતિના એવોર્ડથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે.

હોમગાર્ડના દીર્ઘ કલિન સેવા દરમ્યાન તહેવારો, ઉત્સવો મેળા, ધર્મસભાઓ, કોમી રમખાણો, કુદરતી આફતો, વાવાઝોડા, ધરતી કંપ, પુર, હોનારત, ચુંટણીઓ, રથયાત્રાઓ તેમજ અન્ય વીઆઈપી તથા વીવીઆઈપી કક્ષાના બંદોબસ્ત તેમજ અન્ય વિશેષ કાર્યક્રમો સબબ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થામાં સાથે રહી સરાહનીય કામગીરી બજાવેલ છે. તદઉપરાંત જિલ્લાકક્ષાના તથા રાજય કક્ષાના એડવાન્સ લીડરશીપના તાલીમ કેમ્પોમાં પણ ભાગ લીધેલ છે અને આવશ્યક ટ્રેનિંગો જેવી કે ટ્રાફિક અવેરનેસ, વાયરલેસ તાલીમ, ફાયરીંગ, સેરીમોનીયલ પરેડ વિગેરેને લગતી તમામ તાલીમો લીધેલ છે. તેઓએ વર્ષ ૨૦૦૮માં હોમગાર્ડઝ સુવર્ણ જયંતિનો એવોર્ડ પ્રાપ્ત કરેલ તેમજ વર્ષ ૨૦૦૯માં મુખ્યમંત્રી એવોર્ડ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમ્યાન પ્રાપ્ત કરેલ અને વર્ષ ૨૦૧૯માં સર્વોચ્ચ ગણાતા મહામહિમ રાષ્ટ્રપતિના મેડલથી નવાજવાની જાહેરાત તા.૨૬ જાન્યુઆરીના રોજ કરવામાં આવેલ છે.

આ તકે તેઓને હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ (ડી.જી) પી.બી.ગોંડીયા, નાયબ કમાન્ડન્ટ જનરલ બી.વી.રાણા, પી.આર.ઓ બ્રીજરાજસિંહ ગોહિલ તથા વડી કચેરીના અન્ય અધિકારીઓ તથા સ્ટાફ તેમજ ગીર-સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રીકટ કમાન્ડન્ટ અતુલ ઠાકર તથા જિલ્લા કચેરીના સ્ટાફ તેમજ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી, સેક્રેટરી પી.કે.લહેરી, સ્થાનિક ટ્રસ્ટી જે.ડી.પરમાર, એકઝીકયુટીવ ઓફિસર દિલીપભાઈ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા અન્ય અધિકારી તથા કર્મચારી ઉપરાંત જિલ્લા કલેકટર અજય પ્રકાશ તથા અન્ય સંખ્યાબઘ્ધ ચાહક વર્ગમાંથી ઠેર-ઠેર અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.