પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી
પ્રદેશ કાર્યાલય- કમલમ્ ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યુવા મોરચાની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી અને યુવા મોરચાના પ્રદેશ પ્રભારી કે. સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટે ઉપસ્થિત રહી યુવા મોરચાના ઉપસ્થિત પદાધિકારી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, આગામી ૧૭ સપ્ટેમ્બર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો ૭૦મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં ૭૦ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન યુવા મોરચો કરશે અને જીલ્લા/મહાનગરોમાં દરેક બુમાં ૭૦ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. તા. ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન પાર્ટી દ્વારા આયોજીત સેવા સપ્તાહ કાર્યક્રમમાં યુવા મોરચો અગ્રેસર રહી સેવાકીય કામોમાં જોડાશે. તા. ૨૫ સપ્ટેમ્બર પંડિત દિનદયાળજી જન્મજયંતી થી તા. ૨ ઑક્ટોબર ગાંધી જયંતી સુધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન આત્મનિર્ભર ભારત અભિયાન અને સ્થાનિક/સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહનના અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસારના કાર્યમાં યુવા મોરચો જોડાશે.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ બેઠકમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ૩૨ વર્ષ પછી શિક્ષણનીતિમાં જે પરિવર્તન લાવવામાં આવ્યું છે તેના વિશે સૌને માહિતગાર કર્યા હતા. કોંગ્રેસ ગરીબોના નામે વર્ષો સુધી ફક્ત વોટ જ માંગ્યા છે, પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૬ વર્ષમાં ૭ લાખ કરોડ રૂપિયા જન-ધનના માધ્યમથી ગરીબો સુધી પહોંચાડયા છે. કોરોના કાળમાં યુવા મોરચા દ્વારા હાથ ધરાયેલી સેવાકીય કાર્યોની પ્રશંસા કરતા યુવા મોરચાના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું કે, યુવા મોરચાના કાર્યકર્તાઓએ વડીલો સાથે કામ કરીને ઘડાવું જોઈએ, શિખવું જોઈએ અને પોતાનો વધુમાં વધુ સમય પાર્ટીના કામમાં આપવો જોઈએ. આ બેઠકમાં યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યઓ, પ્રદેશ હોદ્દેદારઓ, ઝોન અને જીલ્લા/ મહાનગરના પ્રભારી-સહપ્રભારી તેમજ જીલ્લા/મહાનગરના પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.