મહિલાઓનું માન-સન્માન અને ગૌરવ કાજે કોંગ્રેસ દ્વારા મહિલા સુરક્ષા અભિયાનનો આરંભ
ગુજરાત સરકારનો અણઘડ વહિવટ, બેવડી નીતિ રીતે વગેરેથી ગુજરાતમાં બે લાખથી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું. રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા તેઓએ કહ્યું હતું કે, પ્રજાના પૈસે ભાજપ સરકાર દ્વારા ઉજવણીના નામે તાયફા કરવામાં આવી રહ્યા છે. રાજયમાં ભ્રષ્ટાચાર, મોંઘવારીની હાડમારી વેઠી રહેલી પ્રજાના કાર્યો માટે નિષ્ફળ રહેલી ભાજપ સરકાર પોતાની અણઆવડત છુપાવવા તાયફાઓ કરી રહી છે.
તેઓએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા વધુમાં જણાવ્યું હતું કે, રાજયના પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવી અને ભાજપ સરકાર પાંચ વર્ષના શાસનની ઉજવણી કરી રહી છે કે જયારે ગુજરાતમાં રોજબરોજ મહિલાઓની હત્યા, અત્યાચાર તેમજ બળાત્કાર જેવી ઘટનાઓને દાબી દેવાના બદલે મહિલા સન્માન દિવસની ઉજવણી થઈ રહી છે.
વધુમાં નલિયાકાંડને યાદ કરી જામનગર ખાતે ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાના યૌન શોષણ અંગે ન્યાય મેળવવા અથવા કસુરવારો સામે ગુનો નોંધવા 10 દિવસ સુધી આંદોલન કરવાની ફરજ પડી હતી. આજ ગુજરાતમાં મહિલાઓ સલામત ન હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. રાજયમાં મહિલાઓની મોટી સંખ્યા કુપોષણનો ભોગ બને છે. તેમજ આંગણવાડી મધ્યાહન ભોજન, આશા વર્કરની મહિલાઓને કામના પ્રમાણમાં વેતન આપવું જોઈએ.
સરકારની બેવડી નીતિ રીતિ અંગે કહ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષને રેલીઓ કરવાની છુટ જયારે અન્યને મંજુરી આપવામાં આવતી નથી. શાળામાં વિદ્યાર્થીઓની ફી માફી અંગે ચાવડાએ કહ્યું હતું કે, સરકાર કરે છે કે શાળાઓમાં બાળકોને 25 ટકા કે 50 ટકા ફી માફ કરવામાં આવશે પરંતુ તેની અમલવારી થતી ન હતી એના કરતા પણ ફીમાં વધારો થતો હોવાનું જોવા મળે છે.
ગુજરાત સરકાર રીમોટ કંટ્રોલથી ચાલે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં મહિલા કોંગ્રેસના માધ્યમથી મહિલા સુરક્ષા અભિયાન ચલાવવામાં આવશે અને તે પણ એક કે બે દિવસની ઉજવણી નહીં પરંતુ જયાં સુધી મહિલાઓનું માન-સન્માન ગૌરવ વગેરે ન જળવાય ત્યાં સુધી આ અભિયાન અવિરત ચાલુ રહેશે. આ કોન્ફરન્સમાં કોંગ્રેસ અગ્રણીઓ ડો.હેમાંગ વસાવડા, ગાયત્રીબા, ભાનુબેન, દિનેશભાઈ, અશોકભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.