ભારત ભૂષણની ‘બૈજુબાવરા’ ફિલ્મ બહુ જ સફળ રહી હતી: તેઓ અભિનેતા સાથે રાઇટર અને નિર્માતા પણ હતા: 1941 થી 1967 સુધી તેઓએ ઘણી સફળ સંગીતમય ફિલ્મો બોલીવુડને આપી હતી

બોલીવુડની જુની ફિલ્મોનો જમાનો હતો. એ જમાનામાં બાળથી મોટેરા ફિલ્મોના દિવાના હતા. 1950 અને 1960ના દશકામાં ઘણા હીરો આવ્યા અને ગયા પણ બે સફળ હીરોની વાત કરીએ તો પ્રદીપ કુમાર અને ભારત ભૂષણનું નામ મોખરે આવે કારણ કે તેની સફળ સંગીતમય ફિલ્મો સાથે તેમનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે. આજે આ લેખમાં બન્ને સફળ હીરોની વાત કરવી છે. બન્ને સફળ ફિલ્મોના ફિલ્મ બૈજુબાવરા ખૂબ જ સફળ રહી હતી.
પ્રથમ વાત કરીએ બંગાળી કલાકાર પ્રદીપ કુમારની તેનો જન્મ 4 જાન્યુઆરી 1925માં થયો હતો. તેમની બોલીવુડ યાત્રા 1947 થી 1993 રહી હતી. તેમનું અવસાન 2001માં 76 વર્ષની વયે થયું હતું. તેમની સફળ ફિલ્મો અનારકલી, નાગીન અને તાજમહલ જેવી હતી. તેમણે 17 વર્ષની વયે બંગાળી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. બંગાળીમાં તેની 1947માં અલકનંદા ખૂબ જ હીટ નીવડી હતી, બાદમાં ફિલ્મીસ્તાન સ્ટુડીયોમાં આવ્યા અને 1952માં આનંદમઠ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પછી 1953માં અનારકલી અને 1954માં નાગીન જેવી હીટ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. બંને ફિલ્મોના ગીતો ખૂબ જ સફળ રહ્યા હતા. જેને આજે પણ લોકો યાદ કરે છે. પ્રદીપ કુમારે સફળ અભિનેત્રી મધુબાલા સાથે 8 ફિલ્મો કરી જે બધી ખૂબ જ સફળ રહી હતી, જે પૈકી રાજહઠ (1956), શિરીન ફરહાદ (1956), ગેટ વે ઓફ ઇન્ડિયા (1957), યહુદી કી લડકી (1959) અને પાસપોર્ટ (1961) હિટ ફિલ્મો હતી.
પ્રદિપ કુમારને 1960ના દશકામાં એટલી સફળતા મળી ન હતી છતાં ઘૂંઘટ (1960), આરતી (1962), તાજમહલ (1963) ખૂબ જ સફળ રહી હતી. જાણીતી અભિનેત્રી મિનાકુમારી સાથે સાત ફિલ્મો કરી જેમાં આદિલ-એ જહાંગીર, બંધન, ચિત્રલેખા, બહુ બેગમ, ભીગીરાત અને આરતી જેવી ફિલ્મો બોલીવુડની સફળ ફિલ્મો ગણાતી હતી. આ માલાસિંહા સાથે નયા જમાના, હેમ્લેટ, બાદશાહ, ડિટેક્ટીવ, ફેશન, દુનિયા ન માને અને મીટ્ટી મે સોના ખૂબ જ સફળ રહી હતી. 1960ના દશકાની સાધના, સાયરાબાનુ, બબીતા કે શર્મિલા ટાગોર સાથે ફિલ્મ ન કરી શક્યા પણ આશા પારેખ, રાખી અને વહિદા રહેમાન સાથે સફળ ફિલ્મો કરી હતી. તેમને 1999માં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો.

પ્રદીપ કુમારની અનારકલી, તાજમહલ, બહુબેગમ અને ચિત્રલેખા જેવી સફળ ફિલ્મો હતી: રાજા, મહારાજા, નવાબ અને રાજકુમાર જેવા પાત્રોમાં તેમનો અભિનય નિખરી ઉઠ્યો હતો

પ્રદિપ કુમાર બોલીવુડના એ જમાનાના એવા હીરો હતા કે જેમણે 1950થી 1960ના દશકામાં ઐતિહાસિક પાત્રોમાં રાજા, મહારાજા, રાજકુમાર કે નવાબની સફળ ભૂમિકા ભજવી હતી. તેમની તલવાર ફટ મૂંછોની એ જમાનામાં ફેશન પણ હતી. રાજાશાહી ફિલ્મ હોય એટલે પ્રદીપ કુમાર તેમાં ફેવરીટ ગણાય તેવી માંગ હતી. તેના ઉત્કૃષ્ટ અભિનયની અનારકલી, તાજમહલ, બહુ બેગમ, ચિત્રલેખા જેવી ફિલ્મો દર્શકો આજે પણ ભૂલી શક્યા નથી. તેમની પ્રથમ બોલીવુડ ફિલ્મ 1952માં આનંદમઠ હતી અને છેલ્લી ફિલ્મ 1992માં પ્યાર કા સૌદાગર હતી. 1968 પછી તેઓ ચરિત્ર અદાકારીમાં વધુ જોવા મળ્યા હતા. તેની સફળ ફિલ્મોના ગીતો આજે પણ રેડીયો, ટીવીમાં સાંભળીયે ત્યારે આજથી સાત દશકા પહેલાનો જમાનો યાદ આવી જાય છે.

1 1 1

બોલીવુડના જુની ફિલ્મોના સદાબહાર હિરો એટલે ભારત ભૂષણ તેનો જન્મ 14 જૂન 1920માં યુ.પી.ના મેરઠમાં થયો હતો. તેમનું અવસાન 27 જાન્યુઆરી 1992માં 71 વર્ષે થયું હતું. ખૂબ જ સરળ ફિલ્મોના હીરો હોવા છતાં પાછલી જીંદગી કામ વગર ખૂબ જ તકલીફમાં ગુજારી હતી. તેઓ નિર્માતા, લેખક અને સફળ અભિનેતા હતા. 1952માં આવેલી ‘બૈજુ બાવરા’ તેની સૌથી સફળ ફિલ્મ હતી. તેમના મોટાભાઇ રમેશચંદ્ર નિર્માતા હતા અને લખનૌમાં આઇડલ સ્ટુડીયોના માલિક હતા. તેમને સંતાનમાં બે પુત્રીઓ હતી જે પૈકી અપરાજિતાએ રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં મંદોદરીનું પાત્ર ભજવેલ હતું. સફળ ફિલ્મ બરસાત કી રાતની રજૂઆત પછી બીજી પુત્રીનો જન્મ થયો પણ પત્નીનું મૃત્યું થયું. બાદમાં 1967માં તેણે અભિનેત્રી રત્ના સાથે બીજા લગ્ન કર્યા હતા. પત્ની રત્ના અને પુત્રીએ લગભગ 50થી વધુ ટીવી શ્રેણીમાં અભિનય કર્યો હતો. છેલ્લે ખરાબ સમયમાં બંગલો અને કારપણ વેચવી પડી હતી.

ભારત ભૂષણ પ્રથમ ફિલ્મ કેદાર શર્માની હીટ ફિલ્મ ‘ચિત્રલેખા’ (1941) હતી. જો કે તેને મુખ્ય નાયક તરીકે દશ વર્ષ બાદ 1952માં આવેલી ‘બૈજુ બાવરા’થી મળી હતી. આ ફિલ્મ બાદ રફી, મીના કુમારી, નૌશાદ સાથે સ્ટારડમનો દર્જો પણ આ ફિલ્મે આપ્યો હતો. હિન્દી ફિલ્મોના પ્રભાવશાળી અભિનેતા તરીકે 1950 અને 1960ના દશકામાં અગ્રણી સ્ટાર હોવા છતાં તેમણે ઘણી ફિલ્મોમાં દુ:ખી સંગીતકારનો કિરદાર નિભાવ્યો હતો. ભારત ભૂષણની મુખ્ય હિરો તરીકેની ફિલ્મો જોઇએ તો મધુબાલા સાથે ગેટવે ઓફ ઇન્ડિયા, બસંત બહાર, ફાગુન (1958), બરસાત કી રાત (1960) જેવી સફળ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. સરળ-સહુજ વ્યક્તિત્વ ધરાવતા આ કલાકાર અભિનય ક્ષમતા હોવા છતાં બહું લાંબી મજલ કાપી ન શક્યા. તેઓ હિન્દી ફિલ્મોમાં ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો શ્રેષ્ઠ રીતે ભજવી શકતા હતા. તેમણે બરસાત કી રાત, નયી ઉમર કી નઇ ફસલ, બસંત બહાર, દૂજ કા ચાંદ વિગેરે ફિલ્મોની પટકથા પણ લખી હતી જે બહુ ઓછાને ખબર હશે. અભિનય સાથે તે એક સારા રાઇટર પણ હતા.

‘દૂજકા ચાંદ’ નામની ફિલ્મ પણ બનાવી હતી. તેમના સગા ભાઇ આર.ચંદ્રાએ બેબસ, મિનાર અને બસંત બહાર જેવી ફિલ્મો બનાવી હતી. 1954માં તેમને ફિલ્મ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ માટે બીજો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. એ જમાનાના મોટા ગાયકો, રફી, મન્નાડે, તલત અને મુકેશના મોટાભાગના ગીતો તેમના પર ચિત્રિત હતા. એ જમાનામાં હિન્દી ફિલ્મોમાં તે સુપરસ્ટાર સાથે બોલીવુડના પ્રથમ ચોકલેટી હીરો હતા. બોલીવુડના આ હીરોને સંગીતમાં ઊંડી સમજ પણ હતી, જેને કારણે જ 1950 અને 1960ના દશકાની તેમની મોટાભાગની ફિલ્મો સંગીત આધારીત હતી, જેમાં તે મુખ્ય નાયક તરીકે જોવા મળ્યા હતા.

1990 સુધી તે ચરિત્ર અભિનેતા તરીકે ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અંગત દુર્ઘટના અને તેમના સમકાલીન લોકોની સખ્ત સ્પર્ધા હોવા છતાં પણ તેમણે આપેલી મહાન ફિલ્મો અને મહાન ગીતો માટે ભારત ભૂષણનું નામ ક્યારેય ભૂલાશે નહી તેઓ હિન્દી સિનેમાના મહાન સ્ટાર અને દંતકથાઓમાંના એક માનવામાં આવે છે. તેમને 1956માં આવેલી ‘મિર્ઝા-ગાલિબ’ ફિલ્મના અભિનય માટે ફિલ્મે ફેર એવોર્ડ માટે નોમીનેટ કરાયા હતા. 1950 થી 1960ના બે દશકામાં જુની હિન્દી ફિલ્મોમાં ઘણા હિરો આવ્યાને ગયા પણ પ્રદિપ કુમાર અને ભારત ભૂષણ ક્યારેય ભૂલાશે નહી કારણ કે તેની ફિલ્મો, તેનો અભિનય સાથે સદાબહાર કલાસીક ગીતો આજે પણ લોકો રિમિક્સ કરીને સાંભળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.