રાજકોટ જિલ્લાના 35 કેન્દ્ર પર 9,000 જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે: આજે ડીઇઓની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
અબતક-રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.2જી માર્ચથી ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની પ્રાયોગીક પરિક્ષાનું આયોજન રાજકોટ જિલ્લાના 35 કેન્દ્રો પર કરવામાં આવ્યું છે. આ પરિક્ષા કેન્દ્રો પર પ્રાયોગીક પાસુ ધરાવતા વિષયોની પરિક્ષાઓની માટે બાહ્ય મૂલ્યાંકનકારની પણ નિમણૂંક કરવામાં આવશે. જે માટે આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ડીઇઓની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
મળતી માહિતી મુજબ શાળાઓમાંથી યોગ્ય લાયકાત ધરાવતા વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને બાહ્મ મૂલ્યાંકાનકાર તરીકેની કામગીરીની જરૂરી સમજણ મળી રહે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી એપ્રિલ માસમાં બોર્ડની પરિક્ષા યોજાનાર છે ત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરિક્ષા અગાઉથી જ લેવાય તે માટેની તૈયારીઓ અત્યારથી જ હાથ ધરી દેવામાં આવી છે.
જે સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાયું છે તે શાળાના વિજ્ઞાન પ્રવાહના પ્રત્યેક વિષયના એક શિક્ષક આંતરિક મૂલ્યાંકાનકાર તરીકે કાર્ય કરશે, શાળામાં જે-તે વિષયના એક કરતા વધુ શિક્ષકો હોય તો તેઓને પણ આ બેઠકમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ પરીક્ષામાં અંદાજે 9,000થી વધુ વિદ્યાર્થીઓ દેશના જ છે. 130 જેટલા શિક્ષકો ફરજ બજાવવાના છે. રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી, જેતપુર અને જસદણના 35 કેન્દ્રો પરથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે આજે સાંજે 4 વાગ્યે ડીઇઓ કચેરી ખાતે બેઠક યોજાશે અને આ બેઠકમાં પ્રેક્ટિકલ પરીક્ષા અંગેની તમામ તૈયારીઓની ચર્ચા-વિચારણાં હાથ ધરવામાં આવશે.