શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦-૧૨ની વાર્ષિક પરીક્ષા પ્રારંભ થવા જઇ રહી છે ત્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા તા.૨૦-૨ થી ૨-૩ દરમિયાન યોજાનાર હોય જેનું આયોજન કરવા અંગે બોર્ડ દ્વારા માર્ગદર્શક સુચનો જારી કર્યાં છે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૨૦ ફેબુ્રઆરીથી ૨ માર્ચ દરમિયાન લેવામાં આવનાર છે. પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લાના નિયત પરીક્ષા સ્થળો પર ત્રણેય પ્રાયોગિક વિષયો રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન માટે જરૂરી ભૌતિક સુવિધાવાળી સીસીટીવી સાથે સુસજ્જ પ્રયોગશાળા તથા દિવસ દરમિયાન બેચ દીઠ ૨૦ વિદ્યાર્થીઓ બે બેચમાં પરીક્ષા લેવાય તેવી તૈયારી રાખવા સુચના અપાઇ છે તો સાથે તમામ બેચના વિદ્યાર્થી દીઠ વિષય દીઠ જરૂરી પદાર્થ, ઉપકરણો ઉપલબ્ધ થાય તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, એનસીઇઆરટી મુજબ સાધનો ન હોય તો ખરીદી લેવા શાળાના આચાર્યને જાણ કરવા, પ્રયોગશાળામાં વિષય દીઠ એક સ્થાનિક વિષય નિષ્ણાંત, એક મદદનીશ, એક સેવક, એક બહારના વિષય નિષ્ણાંત કાર્યરત રહેશે.

સરકારી પ્રતિનિધિ તરીકે વિજ્ઞાન પ્રવાહના વિષય શિક્ષક સિવાયના શિક્ષકની પસંદગી કરાશે. પ્રાયોગિક પરીક્ષા માટે જિલ્લાવાર એક ઝોન કાર્યરત રહેશે અને સરકારી પ્રતિનિધિ મારફત સાહિત્ય પરીક્ષા સ્થળ સુધી મોકલવા તથા પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાના અંતિમ દિવસે ઝોનલ કચેરી ખાતે પરત લાવવામાં આવશે. આમ બોર્ડ દ્વારા જરૂરી સુચનો અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.