- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જૈનમ્ કમિટિના સભ્યોએ આપી વિગત
- શોભાયાત્રામાં 108 સુશોભીત કાર તથા 251 બાઇક સાથે જૈન તથા જૈનેત્તરો જોડાશે
આગામી તારીખ 10 ના રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરવા રાજકોટનો સમસ્ત જૈન સમાજ થનગની રહ્યો છે ત્યારે જૈનમનાં સથવારે મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તારીખ 10 ને ગુરૂવારનાં રોજ જૈનોના આરાધ્ય ભગવાનશ્રી મહાવીર સ્વામીનાં જન્મની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અતીભવ્ય, દર્શનીય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ધર્મયાત્રામાં સૌથી આગળ ધર્મધ્વજ લઇને સમાજનાં યુવાનો ધર્મયાત્રાને દોર આપશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાનશ્રી મહાવીર સ્વામી નગર યાત્રાએ વિહાર કરશે. આ ચાંદીના રથને પૂજાની જોડમાં સજ્જ યુવાનો ખુલ્લા પગે વહન કરશે. આ ધર્મ યાત્રાને સાધુ-સાધ્વીજી ભગવંતો, સમાજનાં આગેવાનો, રાજકીય આગેવાનો વિવિધ સમાજનાં શ્રેષ્ઠીઓની હાજરી વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવશે. હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ દર વર્ષે આ ધર્મચાત્રામાં જોડાય છે. આ વખતે પણ ખૂબ બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ આ યાત્રામાં ઉમટી પડશે. આ ધર્મયાત્રામાં 27થી વધુ આકર્ષક ફ્લોટ જોડાવવાનાં છે. જેમાં ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગોને વણી લેતા વિષય પર આધારીત ફલોટસ જેમાં લાઇવ પાત્રો, મૂર્તિઓ અવનવા શુસોભનો, ભગવાન મહાવીરનો અહિંસા પરમો ધર્મનો સંદેશ, જીવદયા સહિતનાં વિષયો પર આધારીત ફલોટસ સાથે 108 શુસોભીત કાર જોડાવવાની છે. બે ફલોટસની વચ્ચે વૈવિધ્યપૂર્ણ સુશોભીત કાર કે જેમાં ભગવાન મહાવીરનાં સુંદર કટ આઉટ, માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નોનાં કટ આઉટ, લગાડેલી કાર જોડાશે. આ કાર સુશોભન માટે એક તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સ્પર્ધકો પોતાની કારને એક થી એક ચડીયાતા શુસોભનો કરે તે માટે આયોજીત આ સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમનાં વિજેતા સ્પર્ધકોને ધર્મ સભા સમયે બહુમાન કરી ઇનામ એનાયત કરવામાં આવશે.
આ ધર્મયાત્રામાં ર51 થી પણ વધુ બાઇક અને સ્કુટરમાં જૈન સમાજનાં યુવક-યુવતીઓ બહોળી સંખ્યામાં શ્ર્વેત વસ્ત્રો ધારણ કરીને વાતાવરણને ખૂબ સુંદર બનાવશે. બાઇક અને સ્કુટર લઈને યાત્રામાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે જૈન સમાજનાં યુવાધનનો ખૂબ જ ઘસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા ઉતરોતર દર વર્ષે નવ યુવાનો – યુવતીઓ આ ધર્મયાત્રામાં ભાવભેર જોડાય રહ્યા છે. ધર્મયાત્રાનાં રૂટ પર નવકાર મહામંત્રના 9 પદના 9 સ્ટેજ બનાવવામાં આવશે. દરેક પદનાં સ્ટેજ પર 12 -12 બાળકો હાજર રહેશે. ધર્મયાત્રા જયારે 1-1 પદ પાસે પહોંચશે ત્યારે આ બાળકો શાંતિનાં પ્રતિક એવા સફેદ કલરનાં ફુગ્ગાઓ હવામાં છોડી ધર્મયાત્રાને વધાવશે. સાથે અક્ષતથી વીર પ્રભુનાં વધામણા કરશે સાથે સમાજની 18 આલમ એટલે કે વિવિધ જ્ઞાતિ સંપ્રદાયનાં આગેવાનો રૂટ પર ઠેર ઠેર ભગવાનને વધાવશે. વિવિધ સંસ્થાઓ દ્વારા રૂટ પર શ્રાવક-શ્રાવિકાઓને શાતા ઉપજે તે માટે ઠંડા પાણી, શરબત, લસ્સી વિગેરેની ખૂબ સુંદર ભક્તિનાં પાલ પણ કરવામાં આવશે. જન્મ કલ્યાણકના દિવસે થનારી અનેરી ઉજવણી ઉપરાંત તારીખ 5 ને શનિવારનાં રોજ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા તથા તા.6 ને રવિવારના રોજ ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા કે જેમાં માત્ર જૈનો જ નહી પણ સમાજનાં દરેક ધર્મ સંપ્રદાયનાં લોકો ઉમરના બાધ વગર જોડાઇ શકે તેવી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ઉપરાંત તારીખ 9 ને બુધવારનાં રોજ ભગવાન મહાવીરનાં બાળ સ્વરૂપને ઝુલે ઝુલાવવાનો અવસર પાઠવતુ નવલુ નજરાણુ વીર પ્રભુનું પારણું કે જેમાં શુધ્ધ ચાંદીનાં બનેલા પારણામાં ભગવાન બાળસ્વરૂપે બિરાજમાન થશે અને શ્રાવક શ્રાવિકાઓ તેમને ઝુલે ઝુલાવવાનો અનેરો લ્હાવો લઇ શકશે. ધર્મયાત્રાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહયો છે. જેમાં માટે બનેલી ધર્મયાત્રા કમીટીનાં સુજીતભાઇ ઉદાણી, કમલેશભાઇ શાહ, જયેશભાઇ મહેતા, તરૂણભાઇ કોઠારી, નિલેશભાઇ ભલાણી, જયભાઇ કામદાર, કુમારભાઇ શાહ, શૈલેષભાઇ માંઉ, બ્રિજેશભાઇ મહેતા, ચિરાગભાઇ દોશી, ભરતભાઇ કાગદી, ધિરેનભાઇ ભરવાડા, જીગરભાઇ પારેખ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે કાર સુશોભન કમીટીનાં વૈભવભાઇ સંઘવી જીતુભાઇ લાખાણી, વિરભાઇ ખારા, ચેતનભાઇ કામદાર, ભાવિનભાઇ ઉદાણી, હિતેષભાઇ મણીયાર, કિર્તીભાઇ દોશી, મેહુલભાઇ બાવીશી સહિતની યુવા ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જૈનમ્ પરિવારનાં જીતુભાઇ લાખાણી, બકુલેશભાઇ મહેતા, વિમલભાઇ પારેખ, મનનભાઇ દોશી, જયદત સંઘાણી, અમીત લાખાણી, કેવીન ઉદાણી, ચિરાગ સંઘવી, ઋષભ ઉદાણી, ભવ્ય વોરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રથ પુજામાં જોડાનારા યુવાનો ખુલ્લા પગે વહન કરશે: અમિતભાઇ લાખાણી
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં અમિતભાઇ લાખાણીએ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે જૈનોના આરાધ્ય ભગવાન મહાવીર સ્વામીના જન્મની ઉજવણીમાં જૈન-જૈનેત્તરો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના ચાંદી રથને પૂજાની જોડમાં સજ્જ યુવાનો ખુલ્લા પગે રથને ખેંચશે. ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં 200થી વધુ બાળકોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે.
જીવનમાં લઘુત્તમ હિંસા થાય તે માટે સચેત રહો: જીતુભાઈ લાખાણી
ભગવાન મહાવીર સ્વામીએ સંકલ્પી હિંસાનો જ પ્રતિકાર કરવાની સમાજને શીખ આપી છે. હિંસા ક્યારેય કલ્યાણક હોતી નથી અને અહિંસાનુ આચરણ જ દેવથી લઇ મનુષ્ય અને સર્વજીવ માટે કલ્યાણકારી બની રહે છે. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવનો માહોલ સોળે કલાએ ખિલ્યો છે ત્યારે માત્ર મહાવીર ભક્તો જ નહીં સમાજના, દેશના અને વિશ્ર્વભરના તમામ માનવીઓ હિંસાના વ્યાપક અને સૂક્ષ્મ પ્રકારને સમજી જીવનમાં લઘુત્તમ હિંસા થાય તે માટે સચેત રહે અને હાથથી નહિં પણ મનથી પણ ખરાબ સંકલ્પરૂપી હિંસા ન થાય તે માટે સચેત થાય તો ખરા અર્થમાં સમગ્ર સંસારમાં કલ્યાણ થઇ જાય. અહિંસા પરમો ધર્મનું ભગવાન મહાવીરના આર્શિવચન માનવ સમાજ જેટલું વ્યાપક પ્રમાણમાં અપનાવશે. સમાજ અને સૃષ્ટિમાં એટલી જ શાંતિ અને કલ્યાણભાવ ઉભો થશે.