એક વખતે આખા જગતમાં મહાપ્રલય થયો. પહેલા પ્રલયથી સૂર્યના આકાશ સૂધી વ્યાપેલા તેજસ્વી કિરણોથી બધુ બળીને ભસ્મીભૂત થઈ ગયું. એ પછી પ્રલય વર્ષા થઈ અને બધે જળબંબાકારથઈ ગયો. દેવ, દાનવ-માનવ કોઈ ન બચ્યું ફકત ધ્યાન મગ્ન મહર્ષિ માર્કડેય બચી ગયા. જયારે એમની સમાધિ ભંગ થઈ તો એમણે જોયું કે ન ચંદ્ર છે, કે ન સૂર્ય અગ્નિ, પવન કે કોઈ પણ જીવ, ફકત ઘોર એકાંત છે.
ત્યાં એમણે પાણી ઉપર એક ઝાડ તરતું નજરે પડયું જેના પર ચાર ભૂજાવાળા ભગવાન શ્રી કૃષ્ણ બાલસ્વરૂપે સુતા છે.
મુનિવર આ તેજસ્વી અદભૂત બાળકને જોઈને અને ભગવાન સમજીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે લીલાધારી બાળકે હસતા હસતા એમને પોતાના શરીરમાં પ્રવેશ કરવા માટે ઈશારો કર્યો. મૂનિએ બાળકના ઉદરમાં પ્રવેશીને અસંખ્ય વિચીત્ર વિશ્ર્વ, જુદા જુદા લોક, સમુદ્ર અનેક દ્વિપ, વિચીત્ર પૃથ્વી રત્ન, પર્વત, વૃક્ષ, જીવ, દેવતા, સિધ્ધ ઋષિ મૂનિ સ્વર્ગ પાતાળ વિગેરેના દર્શન કર્યા અનંત વિશ્ર્વમાં ભટકવા છતા પણ તેમને ભગવાનના આ શરીરનો છેડો ન મળ્યો. ત્યાં બાળકે મ્હો ખોલ્યું અને મૂનિરાજ માર્કંડેય બહાર આવ્યા.
બહાર નીકળીને મુનિરાજ ભગવાનના ચરણોમાં પ્રણામ કરીનેહાથ જોડીને વારેવારે આશ્ર્ચર્ય પામતા ગદગદ કંઠે પ્રભુનું સ્તવન કરવા લાગ્યા મૂનિની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાને કહ્યું, મુનિવર શું ઈચ્છો છો બોલો? તમારી બધી મનોકામના હું પૂર્ણ કરીશ.
મૂનિએ કહ્યું; પ્રભુ હું આપનું સ્વરૂપ જાણવા માગુ છું. કારણ મે જે જોયું તે બુધ્ધિથી પર તથા ખૂબજ ચિંતનાત્મક હતુ.
ભકત માર્કણ્ડેયના વચન સાંભળી દેવાધિદેવ ભગવાને એમના રૂપનું વર્ણન કરતા કહ્યું.
હે ભકત, મનુષ્ય તો શું, દેવતાઓ પણ મને પૂર્ણ રીતે નથી જાણતા સાંભળો. પ્રાચીન કાળમાં મેં પાણીનું નામ ‘નાર’ રાખ્યું હતુ એટલે મારૂ નામ નારાયણ છે હું આ નામે સર્વ જગ્યાએ જાણીતો છું હું અવિનાશી નિત્ય, બધાં જીવોનો વિધાતા અને સુષ્ટિનો સર્જનહાર છઉં હું જ વિષ્ણુ, બ્રહ્મા, શિવ, ઈન્દ્ર, સૂર્ય, ચંદ્ર, યમ, પ્રજાપતિ, ધાતા, વિધાતા અને યજ્ઞ છું અગ્નિ મારૂ મુખ છે.પૃથ્વી મારા ચરણે છે.
સૂર્ય ચંદ્ર મારી આંખો છે. ઉર્ધ્વ ભૂમિ મારૂ મસ્તક છે.આકાશ અને દિશાઓ મારૂ વ્યકિત્વ છે.નભોમંડળ કાયા છે.વાયુ મન છે. હું બધાનું સર્જન કરૂ છું ચારો વર્ણ મારામાંથી જ નીકળ્યા છે. ચારે વેદોનો ઉદભવ મારામાંથી જ થયો છે. અને એ મારામાં જ સમાયેલા છે.
જે, ક્ષમતાયુકત છે.મન ઈન્દ્રિયોને જીતેલ છે. તત્વજિજ્ઞાસુ, કામ ક્રોધ, દ્વેષ રહિત, આસકિતહીન, નિષ્પાપ, સત્વગુણી, નિરહંકાર બને અધ્યાત્મદર્શી પુરૂષ છે. તેઓ જ મારી તત્મય ભાવથી ઉપાસના કરે છે.સત્ય, દાન, તપ, અને બધા પ્રાણીઓ પ્રત્યે દવાભાવ રાખીને મનુષ્ય કલ્યાણ પ્રાપ્તી કરે છે. એનું મૂળ હું જ છું બધા દેહધારી મારી ઈચ્છા પ્રમાણે અને મારી આજ્ઞાથી જ અનુસરે છે. જે સારી રીતે મારી સેવા પુજા કરે છે. શાંત ચિત માનવી જ મને ગમે છે.કુયોગી અને વિમુઢોને હું દર્શન આપતો નથી. સાધક મહાત્માઓનું પ્રાપ્ત જે મહાફળ છે. તે હું જ છું જયારે ધર્મનો લય અને અધર્મના ઉદભવ થાય છે.ત્યારે હું પ્રગટ થાઉ છું હું મારી માયાથી જ બધાનો સંહાર અને પૂન: સર્જન કરૂ છું હું જ કાળ છું હું જ કાળચક્રનો પ્રવર્તક છું હું જ બ્રહ્મ છું.
હું જ બધા જીવોનું શમન કરૂ છું તથા હું જ બધામાં આત્મારૂપે બિરાજું છું.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે હું બધામાં હોવા છતા પણ મને કોઈ નથી જાણતું હે મુનીવર, હું તમારા પર પ્રસન્ન છું એટલે જ તમને આ રહસ્ય બતાવ્યું છે.
જયાં સુધી બ્રહ્મા ન પ્રગટ થાય ત્યાં સુધી તમે અહી સુખથી રહો. જયારે લોકપિતામહ પ્રગટ થશે ત્યારે હું એકલો જ બધા જીવોની આકાશ, પૃથ્વી જયોતિ, વાયુ, જળ, વિગેરે વર્વ પદાર્થોનું પૂન: નિર્માણ કરીશ.
ભગવાનની દિવ્ય વાણી સાંભળીને મહાન તપસ્વી ભકત પર માર્કડેય કૃતાર્થ થયા.