કોંગી સભ્યનો વિરોધ સાંભળવા સુધાની તસ્દી પણ સ્ટેન્ડિંગ કમિટીએ ન લીધી તમામ ૨૭ દરખાસ્તોને બહાલી: રૂા.૨૩૫.૪૩ કરોડનાં કામોને લીલીઝંડી
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૨૭ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હતી અને રૂા.૨૩૫.૪૩ કરોડનાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. કોંગી સભ્યનો ઉગ્ર વિરોધ છતાં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલનું ખીસ્સાફાડ ભાડુ બહુમતીનાં જોરે મંજુર કરવામાં આવ્યું હતું. આમ્રપાલી બ્રીજ પ્રોજેકટ સાકાર થાય તે દિશામાં કોર્પોરેશને વધુ એક પગલું લીધું છે અને બ્રિજ માટે રેલવેને વધુ રૂપિયા ૩.૭૩ કરોડ ચુકવવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા શહેરનાં વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કુલ પાસે રૂા.૧૫ કરોડનાં ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ સેન્ટ્રલી એસી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોલનું ભાડુ બેસણા તથા ઉઠામણા માટે ૪ કલાકનું રૂા.૧૫,૦૦૦, લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક પ્રસંગો સહિતનાં અન્ય કાર્યો માટે રૂા.૩૫ હજાર અને કોમર્શીયલ હેતુ માટેનું ભાડુ રૂા.૭૫ હજાર જયારે ડોરમેટરીનો ચાર્જ પ્રતિદિન રૂા.૧૦ હજાર અને રૂમનો ચાર્જ રૂા.૧૫૦૦ નિયત કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી હતી. ભાડાનો દર ખુબ જ ઉંચો હોય સ્ટેન્ડિંગ કમિટી શહેરીજનોને ભાડામાં થોડી રાહત આપશે તેવું માનવામાં આવતું હતું પરંતુ શાસકોએ જાણે સંપૂર્ણપણે ધંધાદારી અભિગમ અપનાવી લીધો હોય તેમ કમિશનરને મોકલેલી દરખાસ્ત અક્ષરસ: મંજુર કરવામાં આવી હતી. ટુંકમાં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલનાં દરવાજા ગરીબ અને મધ્યમ વર્ગીય જનતા માટે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીનાં કોંગી સભ્ય ઘનશ્યામસિંહ એ.જાડેજાએ તોતીંગ ભાડા સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને ભાડાનાં દરમાં રાહત આપવાની માંગણી કરી હતી જોકે સ્ટેન્ડિંગ કમિટીએ બેઠકમાં તેઓનો વિરોધ સાંભળવા સુધીની તસ્દી પણ લીધી ન હતી અને બહુમતીનાં જોરે ખીસ્સાફાડ ભાડાને મંજુરી આપી દેવામાં આવી હતી.
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માત્ર ૩ મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી જેમાં ૨૭ દરખાસ્તોને મંજુર કરી રૂા.૨૩૫.૪૩ કરોડનાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. રામનાથપરા સ્મશાનને રીનોવેશન કરવા માટે રૂા.૨૦.૧૫ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વોટર વર્કસનાં કામો માટે રૂા.૩.૯૩ લાખ મંજુર કરાયા છે. જમીન વેચાણ અને શાળાનાં ઈમલાનાં વેચાણથી મહાપાલિકાને રૂા.૬૦.૬૪ લાખની આવક થવા પામી હતી.