પાણી પ્રશ્ને ટોળા રોજીંદા બન્યાં: જળાશયો છલોછલ છતાં યોગ્ય વ્યવસ્થાના અભાવે ઉનાળાના આરંભે જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની રામાયણ
પાણી સહિતના વેરાઓમાં કમરતોડ વધારો કરવામાં પાવરધુ કોર્પોરેશનનું તંત્ર શહેરીજનોને આકરા ઉનાળામાં પ્રયાપ્ત માત્રામાં પાણી પુરૂં પાડવામાં માંયકાંગલું સાબિત થઇ રહ્યું છે. જળાશયો છલોછલ ભરેલા છે પરંતુ વ્યવસ્થાના અભાવે ઉનાળાના આરંભે જ શહેરમાં પાણીના ધાંધીયા સર્જાવાનું શરૂ થઇ ગયું છે. પાણી પ્રશ્ર્ને ફરિયાદ લઇને આવતા ટોળા હવે રોજીંદા બની ગયા છે. શાસકો પાસે માત્ર ખાતરી આપવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને મોંઢે માંગ્યા નર્મદાના નીર આપવામાં આવ્યા છે. હાલ શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયોમાં માતબર જળ જથ્થો સંગ્રહિત છે. છતાં શહેરીજનોને કાળઝાળ ગરમીમાં પ્રયાપ્ત માત્રામાં પાણી મળતું નથી. એક તરફ સૂર્ય નારાયણ આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટવાસીઓએ પાણી માટે વલખા મારવા પડે છે.
છેલ્લા કેટલાક દિવસથી પાણી પ્રશ્ર્ને અલગ-અલગ વિસ્તારના લોકો કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા માટે આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશિપમાં કસ્તૂરી કાસા પાસે આવેલી સિધ્ધી હાઇટ્સ નામની બિલ્ડીંગના રહેવાસીઓ આજે પાણી પ્રશ્ર્ને રજૂઆત કરવા માટે કોર્પોરેશન કચેરીએ દોડી આવ્યા હતા. તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલને રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સિધ્ધી હાઇટ્સમાં 14-14 માળની ચાર વિંગ્સ આવેલી છે. જેમાં 200થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.
છેલ્લા દોઢ વર્ષથી નિયમિત પાણી મળતું નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કર્યા બાદ એકાદ સપ્તાહ સુધી પાણી નિયમિત અને પૂરતા ફોર્સથી મળે છે. ત્યારબાદ અપૂરતા પાણીની ફરિયાદ સર્જાય છે. અગાઉ પાણી વિતરણનો સમય સવારનો હતો પરંતુ ફોર્સને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાક સમયથી વિતરણનો સમય રાતનો કરવામાં આવ્યો છે. છતા સમસ્યા યથાવત છે. પાણી વેરો બમણો કરી દેવામાં આવ્યો છે પરંતુ વ્યક્તિદીઠ દૈનિક 30 લીટર પણ પાણી મળતું નથી.
જ્યારે અધિકારીઓને પાણીની ફરિયાદ અંગે ફોન કરવામાં આવે ત્યારે તેઓ પણ ઉડાવ જવાબ આપે છે. ઉનાળાના આરંભે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની મોટી રામાયણ ઉભી થવા પામી છે. જો શાસકો પાણી પ્રશ્ર્ને પૂરતું ધ્યાન નહિં આપે તો આગામી દિવસોમાં ફરી કોર્પોરેશન કચેરીમાં બેડા યુધ્ધ જામશે.