પીજીવીસીએલનાં મેનેજમેન્ટનું ‘મિસ’મેનેજમેન્ટ
હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્વર વિસ્તારમાં જતા અંદાજે ૨૦ થી ૩૦ કર્મચારીઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ કરાયું નથી
એસીવાળી ઓફિસમાં બેસવા ટેવાયેલા બાબુઓએ પોતાની સુરક્ષા માટે કોર્પોરેટ કચેરીમાં સ્ટાફ સિવાયનાં લોકો માટે પ્રવેશબંધી ફરમાવી, બીજી તરફ સતત ફિલ્ડમાં રહેતા સ્ટાફ માટે કોઈપણ તકેદારીની દરકાર ન લીધી
કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સનાં આરોગ્યની તંત્ર દ્વારા દરકાર લેવામાં આવી રહી છે પરંતુ પીજીવીસીએલ એકમાત્ર વિભાગ છે કે જેના કર્મચારીઓ દિવસ-રાત મહામારી વચ્ચે ડયુટી કરે છે છતાં ઉપરી અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવી નથી. શહેરનાં હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં જે કોઈ વીજ કર્મીઓ જાય છે તેઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ ન કરીને પીજીવીસીએલનાં અધિકારીઓને જાણે માનવતા મરવા પડી હોય તેવી સ્થિતિની પ્રતિતિ કરાવી છે.
હાલ કોરોનાનાં પગલે લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની કડક સુચના હોય લોકો પોતાનાં ઘરે જ સમય પસાર કરે છે માટે વીજળીની સપ્લાય ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘરે બેઠા લોકો વિજળી વગર અકળાઈ ઉઠતા હોય પીજીવીસીએલ દ્વારા તમામ લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવાનો માસ્ટર પ્લાન તો ઘડી કાઢવામાં આવ્યો હતો પરંતુ આ સાતત્યપૂર્ણ વિજ પુરવઠો પુરો પાડવા માટે જે સ્ટાફ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે તેઓની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કાળજી રાખવામાં આવી નથી. હાલ શહેરમાં વિજ વિક્ષેપ ન પડે તે માટે વીજ કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહે છે પરંતુ ફિલ્ડમાં રહેતા આ કર્મચારીઓ માટે પીજીવીસીએલનાં મેનેજમેન્ટ દ્વારા એકપણ વખત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાવવામાં આવ્યું નથી. અધુરામાં પૂરું કોરોનાનો જયાં વિસ્ફોટ થયો છે તેવા હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં પણ ૨૦ થી ૩૦ કર્મચારીઓ રીપેરીંગ અર્થે જઈ રહ્યા છે. આ તમામ કર્મચારીઓનું એક પણ વખત પીજીવીસીએલ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું નથી.
અગાઉ જંગલેશ્ર્વરમાં ગયેલા પોલીસ કર્મીઓ અને મીડિયા કર્મીઓનું તંત્ર દ્વારા સામુહિક હેલ્થ ચેકઅપ તેમજ કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ પીજીવીસીએલમાં એસીવાળી ઓફિસમાં બેસવા ટેવાયેલા બાબુઓની આંખ હજુ સુધી ઉઘડી નથી જોકે આ બાબુઓએ પોતાની સુરક્ષા માટે કોર્પોરેટ ઓફિસમાં અન્ય લોકો માટે ચુસ્ત પ્રવેશબંધી ફરમાવી દીધી છે પરંતુ જે સ્ટાફ ફિલ્ડમાં છે તેની સુરક્ષા માટે કોઈ પગલા લીધા નથી.
પીજીવીસીએલનાં ઉપલા અધિકારીઓની આ સુષુપ્ત અવસ્થાથી કર્મચારીઓમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. ઘણા ઈજનેરોએ આ બાબતે ઉપરી અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હોવા છતાં નિંભર અધિકારીઓ ટસનાં મસ થતા નથી. વધુમાં વીજ કર્મચારીઓનાં જે એસોસીએશનો છે તેઓએ પણ કર્મચારીઓ તેમજ તેમનાં પરીવારજનોની આરોગ્ય સુખાકારી માટે મેનેજમેન્ટને હેલ્થ ચેકઅપ અંગે રજુઆત કરી છે પરંતુ હજુ સુધી આ રજુઆત પ્રત્યે અધિકારીઓ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો નથી.
વીજ કર્મીઓ બોમ્બ બનીને કોરોના વિસ્ફોટ કરે તેવી ભીતિ
જંગલેશ્વરમાં અનેક વિજ કર્મચારીઓ પોતાની ફરજ સબબ જઈ રહ્યા છે. આ તમામ વીજ કર્મચારીઓથી અન્ય સ્ટાફને તેમજ તેમનાં પરીવારને કોરોનાનો ચેપ લાગવાની પ્રબળ સંભાવનાઓ છે. આમ જંગલેશ્ર્વરમાં ગયેલા વીજ કર્મચારીઓ બોમ્બ બનીને કોરોના વિસ્ફોટ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે માટે આ તમામ કર્મચારીઓ તાકિદે હેલ્થ ચેકઅપ કરાવવામાં આવે તે જનઆરોગ્ય માટે જરૂરી છે.