સામાન્ય વ્યકિત પાસે એક પણ પુરાવો ઓછો હોય તો મહાપાલિકા તંત્ર દ્વારા ફાયર સેફટીનું સર્ટીફીકેટ આપવામાં આવતું નથી તો બીજી તરફ પોતાની જ કચેરીમાં અનેક સ્થળોએ જીવતા વીજવાયરો લટકતા હોવાનાં દ્રશ્યો જોવા મળે છે. શહેરનાં ઢેબર રોડ પર આવેલી મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીનાં બીજા માળે વોટર કુલર પાસે જ એક જીવતો વીજવાયર લટકી રહ્યો છે. કોઈ વ્યકિત હાલ કાળઝાળ ઉનાળામાં તરસ્યો થાય અને પાણી પીવા આવે અને જો થોડી પણ ચૂક કરે તો તે વીજશોકની દુર્ઘટનામાં ચોકકસ ભોગ બની શકે છે.
પાણી અને વિજળીને આડવેર હોય છે. સામાન્ય રીતે જયાં પાણી રાખવામાં આવતું હોય છે ત્યાં વીજ વાયર કયારે હોતા નથી પરંતુ મહાપાલિકાએ જાણે બંને દુશ્મનોને ભેગા કરવાનું નકકી કરી લીધું હોય તેમ વોટર કુલર પાસે વીજ વાયરો દિવસોથી લટકે છે પરંતુ તેને હટાવવા માટે તસ્દી લેવામાં આવતી નથી. દિવસ દરમિયાન પણ અહીં બલ્બ ચાલુ જોવા મળે છે.