પીજીવીસીએલની ટેકનીકલ ખામીના કારણે મચ્છુ–૧ ડેમથી પમ્પીંગ શ‚ ન થઈ શકયું: રવિવાર સાંજે ન્યારીમાં નર્મદાના નીરનું આગમન થાય તેવી સંભાવના
રાજકોટવાસીઓને પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ સૌપ્રથમ રાજકોટની જીવાદોરી એવા આજીડેમને સૌની યોજના અંતર્ગત નર્મદા નીરથી ભરી દેવાના મહત્વકાંક્ષી પ્રોજેકટને સાકાર કર્યા બાદ હવે ન્યુ રાજકોટની જીવાદોરી એવા ન્યારી ડેમને નર્મદા નીરથી ભરવાનું શરૂ કરવાની દિશામાં કદમ ઉઠાવ્યો છે. મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આજે અર્થાત શુક્રવારે ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા અવતરણ થઈ જશે જોકે વિજળી વેરણ થતા મચ્છુ-૧ ડેમથી પમ્પીંગ શરૂ ન થઈ શકતા ન્યારીમાં નર્મદાના અવતરણ અટકયા હતા.
રાજય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ ડેમને નર્મદા નીરથી ભરી દેવા માટે મોરબી નજીક આવેલા મચ્છુ-૧ ડેમથી ત્રંબા સુધી અને ત્યાંથી રાવકી સુધી ૨૦ કિમીની પાઈપલાઈન બિછાવી નદી માર્ગે નર્મદાનું પાણી ન્યારી ડેમમાં છોડવામાં આવનાર છે. આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ યોજનાનું સતાવાર લોકાર્પણ થનાર છે.
દરમિયાન ગઈકાલે મેયર બીનાબેન આચાર્ય સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેર ભાજપના સંગઠનના હોદેદારોએ ડેમની મુલાકાત લીધા બાદ એવી જાહેરાત કરી હતી કે, નર્મદાનું પાણી શુક્રવારે રાવકી ગામ ખાતેથી છોડવામાં આવશે ત્યાંથી ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાશે. પ્રાયોગિક ધોરણે માત્ર એક જ પંપ શરૂ કરવામાં આવશે જોકે આજે સવારથી મચ્છુ-૧ ડેમ ખાતે વીજ પુરવઠો ઉપલબ્ધ ન હોવાના કારણે પમ્પીંગ શ‚ થઈ શકયું ન હતું. બપોરે આ લખાય રહ્યું છે ત્યારે મચ્છુથી ન્યારી ડેમમાં ઠાલવવા માટે નર્મદાના નીર શરૂ કરવામાં આવ્યા નથી.
મચ્છુથી ત્રંબા સુધીનો ૩૧ કિલોમીટરનો રન કાપ્યા બાદ આ પાણી ત્રંબાથી રાવકી સુધી ૨૦ કિલોમીટર પાઈપલાઈન મારફત ન્યારી ડેમ નજીક રાવકી ગામ પાસે પહોંચશે જયાંથી નદી માર્ગે ડેમમાં આગમન થશે. જેમાં ઓછામાં ઓછા ૪૮ કલાક જેટલો સમય લાગે તેમ હોય જો સાંજે નર્મદાના નીર શ‚ કરી દેવામાં આવે તો પણ રવિવાર સાંજ પહેલા ન્યારી ડેમમાં નર્મદા મૈયાનું આગમન થાય તેવી કોઈ જ સંભાવના નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫ ફુટની ઉંડાઈ ધરાવતા ડેમની જળસપાટી હાલ ૮.૩૬ ફુટ છે અને ડેમમાં ૨૦૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે જે ન્યારી ઝોન હેઠળ આવતા વિસ્તારો માટે મે માસ સુધી ચાલે તેમ છે. સૌની યોજના મારફત નર્મદાનું પાણી મળવાનું શ‚ થશે તો ન્યારી ઝોનની પાણીની સમસ્યા હલ થઈ જશે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, ન્યારી ડેમમાં દૈનિક ૭ એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાશે. જોકે આજે મચ્છુ-૧ ડેમથી જ પમ્પીંગ શ‚ ન થતા બપોર સુધી ન્યારીમાં નર્મદાનું આગમન થઈ શકયું નથી.