બિહારના ગોપાલગંજમાં સૌથી વધુ ૧૩નાં મોત: યોગી સરકારે મૃતકોને ૪ લાખની સહાય જાહેર કરી
ચોમાસાની હજુ શરૂ આત થઈ છે ત્યારે દેશભરમાં શરૂઆતનાં તબકકે જ સારો એવો વરસાદ વરસી ચુકયો છે તો સાથે સાથે તેનું રૌદ્ર સ્વરૂપ પણ દર્શાવ્યું છે. ગઈકાલે બિહાર અને યુપીમાં વિજળી પડવાથી ૧૦૭ લોકોના મૃત્યુ થયા હતા. મુશળધાર વરસાદ આવવાથી નદીઓમાં પુર આવ્યા હતા. ચોમાસાની હજુ શરૂઆત થઈ છે ત્યારે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ દેશના ઘણા વિસ્તારોમાં વરસી ચુકયો છે. સાથે ઘરની જગ્યાઓ પર વિજળી પડવાની ઘટના સામે આવી છે. વીજળી પડવાથી બિહાર અને ઉત્તરપ્રદેશમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૨૪ લોકોને ઈજા પહોંચી હતી.
ગુરૂવારના રોજ દેશનાં બે રાજયો બિહાર અને ઉત્તરપ્રદેશના ૩૧ જિલ્લાઓમાં વીજળી પડવાથી એક જ દિવસમાં ૧૦૭ લોકોના મોત થયા હતા. બિહારમાં ૮૩ અને ઉત્તરપ્રદેશમાં ૨૪ એમ કુલ ૧૦૭ લોકો મૃત્યુ પામ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ચક્રવાત અને વ્યાપક ઋતુ બદલાવની સંભાવનાને કારણે આગામી ૭૨ કલાક સુધી લોકોને ઘરમાં જ રહેવાની તાકિદ કરી હતી. બિહારના કુલ ૨૩ જિલ્લાઓમાં મોતનું તાંડવ ઉભુ થયું હતું. વીજળી પડવાથી ગોપાલગંજમાં સૌથી વધુ ૧૩ મૃત્યુ થયા છે. મધુબનીમાં ૮, શિવાન અને ભાંગલપુરમાં ૬-૬ મૃત્યુ થયા હતા ત્યારે ભાંગપુર-દરભંગામાં ૫-૫ મૃત્યુ થયા હતા. જયારે ઉત્તરપ્રદેશમાં ત્રાટકેલી વીજળીથી દિઓરિયામાં ૯ મૃત્યુ થયા અને પ્રયાગરાજમાં ૬ અને આંબેડકરનગરમાં ૩ અને બારાબંકીમાં ૨નાં મોત નોંધાયા હતા. મોત પામનાર મોટાભાગના લોકો ખેતરોમાં કામ કરતા હતા.
ઉત્તરપ્રદેશનાં રાહત કાર્ય કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, ૨૪ લોકોને ઈજા પહોંચી છે. યુપી અને બિહારમાં વીજળીની ઘટનાથી મૃત્યુ પામેલા લોકો માટે પી.એમ.મોદીએ દુ:ખ વ્યકત કર્યું હતું. બિહારનાં મુખ્યમંત્રી નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશનાં યોગી આદિત્યનાથે ભોગ બનનારનાં દરેક પરિવારને ૪ લાખની સહાયની જાહેરાત કરી હતી. નિતીશકુમારે લોકોને મોસમના માહોલને ધ્યાને રાખી સાવચેતીની અપીલ કરી હતી. આગાહીનાં દિવસો દરમ્યાન ખરાબ વાતાવરણનાં કારણે લોકોએ ઘરમાં રહી સરકારની સુચનાઓ અને માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરી હતી. આસામમાં ભારે વરસાદને કારણે આવેલ પુરમાં તણાવાથી આસામમાં પણ કેટલાક લોકોનાં મૃત્યુ થયા હતા.