300 જેટલા કારખાનેદારો-શ્રમિકોએ પીજીવીસીએલની કચેરીમાં હંગામો મચાવ્યો: પોલીસ તંત્ર દોડતુ થયું
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલના વિજ ધંધિયા ને લઈને કારખાનેદારો તેમજ કારખાનામાં કામ કરતા શ્રમિકો આજે અનેક વાહનોમાં 300 થી વધુની સંખ્યામાં આવીને લાલબંગલાં વિસ્તારમાં આવેલી વિજતંત્રની કચેરીએ ધસી આવ્યા હતા, અને કચેરીને ઘેરાવ કર્યો હતો. એટલું જ માત્ર નહીં વીજ અધિકારી અને કર્મચારીઓ વગેરેની ખાલી ખુરશી સહિતના વિસ્તારમાં સર્વે લોકોએ બેસીને રીતસર નો કબજો જમાવ્યો હતો.
જેથી દેકારો બોલી ગયો હતો, અને પોલીસ તંત્રને બોલાવવાની ફરજ પડી હતી. દરમિયાન વિજ અધિકારીએ આવીને તમામ કારખાનેદારો સાથે મંત્રાણા કરી અને સત્વરે યોગ્ય કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં આશરે 300 થી 400 બ્રાસપાર્ટના કારખાના આવેલા છે, જે ઉદ્યોગ વિસ્તારમાં વારંવાર વિજ ધંધિયા ને લઈને સ્થાનિક કારખાનેદારો કંટાળી ગયા હતા.
વીજ અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી આજે સરદાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારના કારખાને દારો અને શ્રમિકો વગેરે 300 ની સંખ્યામાં એકત્ર થયા હતા, અને જુદા જુદા વાહનોના કાફલા સાથે લાલબંગલા સ્થિત પીજીવીસીએલની કચેરીએ ધસી આવ્યા હતા, અને વીજ કચેરીને ઘેરાવ કર્યો હતો.
જામનગરના મુખ્ય વિજ અધિકારની કચેરી કે જ્યાં ખુરશીઓ ખાલી હતી, જે સમગ્ર સ્થળ ઉપર કારખાનેદારો, શ્રમિકો, વગેરે ઘૂસી ગયા હતા, અને કબજો સંભાળી લીધો હતો.વીજ અધિકારીની કચેરીઓમાં પણ તમામ કારખાનેદારો સહિતના લોકો ટેબલ ખુરશી પર બેસી ગયા હોવાથી વીજ તંત્રની કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો, અને આખરે પોલીસ ને બોલાવવી પડી હતી.
જેથી સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી. ઝાલા પોલીસ કાફલા સાથે વીજ કચેરીએ પહોંચી ગયા હતા, અને તમામ કારખાનેદારો અને શ્રમિકોને સમજાવ્યા હતા, અને વીજ અધિકારીઓ સાથે મંત્રણાં કરવા જણાવ્યું હતું.
દરમિયાન પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર આર.એલ. પરમાર પોતાની કચેરીએ આવી ગયા હતા, અને મુખ્ય કારખાનેદારો વગેરે સાથે ચર્ચા વિચારણા અને યોગ્ય કરવા અંગે મંત્રણા કરી હતી, અને સત્વરે તેઓના પ્રશ્નોનો નિકાલ આવી જાય, તેવી હૈયા ધારણા આપ્યા પછી આખરે મામલો થાળે પડ્યો હતો.
વીજ કચેરીમાં અધિકારીઓ હાજર ન હોવાથી લોકોએ રજૂઆતના કાગળીયા ચોંટાડયા: વીડિયો કોલ કરીને વિરોધ દર્શાવ્યો
જામનગરના શિવમ રેસિડેન્સી વિસ્તારમાં લાંબા સમયથી વીજ વિક્ષેપને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, અને આજે સાત રસ્તા સર્કલ પાસે આવેલી વીજ કચેરીએ લોકોનું ટોળું રજૂઆત કરવા પહોંચ્યું હતું. ત્યાં કોઈ વીજ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી વિરોધના કાગળીયા દિવાલ ઉપર ચોંટાડીને વિરોધ દર્શાવ્યો હતો, એટલું જ માત્ર નહીં વીજ કચેરીએથી જ અધિકારીઓને વીડિયો કોલ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
જામનગરની શિવમ રેસીડેન્સી ના એરિયામાં વારંવાર ના વીજ વિક્ષેપને લઈને આજે 100થી વધારે લોકોનું ટોળું સાત રસ્તા સર્કલ પાસે આવેલી વિજ કચેરીએ પહોંચ્યું હતું, અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વીજ અધિકારી કચેરીમાં હાજર ન હોવાથી તેઓના મોબાઇલ ફોનમાં વિડિઓ કોલ કરીને વિરોધ દર્શાવ્યો હતો, અને લોકોનો ટોળું વિજ કચેરીએ આવ્યું છે, તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે વીજ અધિકારીએ યોગ્ય કરવાની ખાત્રી આપતાં લોકોને ટોળું પાછું ફર્યું હતું.