ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન ચારેય વીજ કંપનીઓએ જીઇઆરસીને ફાઇલ કરેલી પીટીશનમાં વીજળીનો દર યથાવત રાખ્યો: વીજ ગ્રાહકોને મોટી રાહત
અબતક, નવી દિલ્હી
વર્ષ 2023 સુધી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન ચારેય વીજ કંપનીઓ વીજ દરમાં કોઇ ભાવ વધારો કરશે નહી. ઉર્જા વિભાગની ચારેય કંપનીઓએ જીઇઆરસીને ફાઇલ કરેલી પીટીશનમાં વીજળીનો દર યથાવત રાખવાનીદરખાસ્ત કરી છે જેથી આગામી વર્ષમાં પણ વીજ ગ્રાહકોને રાહત મળશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંલગ્ન કંપનીઓ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ, મઘ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ અને પશ્ર્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દર વર્ષે ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનને પીટીશન ફઇલ કરે છે. જેમા તે વીજ દર કેટલા રાખવા તેની પણ દરખાસ્ત કરે છે. આ દરખાસ્ત બાદ કોઇપણ ગ્રાહકો પણ ભાવ સામે પોતાના વાંધા અરજી રજુ કરી શકે છે. ઉર્જા નિગમ સંલગ્ન ચારેય વીજ કંપનીઓએ વર્ષ 2022- 2023માં વીજ દર ન વધારવાનો નિર્ણય લીધો છે. ચારેય કંપનીઓએ પીટીશનમાં વીજ દર યથાવત રાખવાનો જ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 સુધી વીજળીના દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે હવે વીજ ગ્રાહકો ઉપર ભાવ વધારાનું ભારણ નહિ આવે. ગ્રાહકોને રાહત થવાની છે.
વીજ ચોરી અને વીજ લોસ ઘટાડવાની કવાયત હાથ ધરાશે
જીયુવીએનએલ સંલગ્ન ચારેય કંપનીઓએ વીજ ચોરી અને વીજ લોસ ઘટાડવા માટે કવાયત હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પીજીવીસીએલ દ્વારા તો વીજ ચોરીની બદી ડામવા માટે કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે. નવા એમડી અરુણ કુમાર બરનવાલ દ્વારા ચાર્જ સંભાળતા વેંત જ વીજ ચોરી નાથવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વીજ ચોરી અને વીજ લોસને કારણે કંપની ઉપર ભારણ વધે છે. તેના કારણે પણ ઘણી વખત વીજ દર વધારવાનો વિકલ્પ પસંદ કરવો પડે છે.
છેલ્લા 5 વર્ષથી વીજ દર યથાવત રખાયા છે
સતત પાંચમા વર્ષે જીયુંવીએનએલ સંલગ્ન ડિસ્કોમે ટેરિફમાં કોઈ વધારો કરવાની માંગ કરી નથી. જો કે, ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જીસમાં વધારા દ્વારા દર વર્ષે ટેરિફમાં પરોક્ષ રીતે વધારો કરવામાં આવે છે તેમ ઊર્જા અને નિયમનકારી નિષ્ણાત કે કે બજાજે જણાવ્યું હતું.
હાલ ટેરીફના સૌથી નિચા સ્લેબમાં યુનિટના ભાવ 7 રૂપીયા
રહેણાંક ઉપભોક્તા માટે ટેરિફનો સૌથી નીચો સ્લેબ પ્રતિ યુનિટ રૂ. 3.20 છે પરંતુ ગ્રાહક ફ્યુઅલ સરચાર્જ ચાર્જ અને સરકારી ડ્યુટી સહિત લગભગ રૂ. 7.00 પ્રતિ યુનિટ ચૂકવે છે. જો કે આ સૌથી નિચો સ્લેબ છે. બીલમાં વપરાશને લઈને અલગ અલગ સ્લેબ લાગુ પડતા હોય છે.