વાયુ વાવાઝોડાને પહોચી વળવા ઉર્જા વિભાગ સજજ: દરીયાકાંઠા વિસ્તારનાં સબ ડિવિઝનોમાં નોડેલ ઓફીસરોની નિમણુંક
રાજયના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજય પર વાયુ વાવાઝોડાની ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં લઈને, મુખ્યમંત્રીના આદેશ અનુસાર રાજયના ઉર્જા વિભાગે વાયુ વાવાઝોડાને કારણે ઉભી થતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધેલ છે.
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખંભાળીયા, દ્વારકા, પોરબંદર, માંગરોળ, વેરાવળ, નખત્રાણા, માંડવી, ભૂજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.તે જ રીતે દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે પણ સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. રાજયની તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે આવેલ માલસામાન માટેના સ્ટોરને 24 કલાક માટે કાર્યરત કરી દેવામાં આવેલ છે. તેમજ વીજ લાઈન કે ટ્રાન્સફોર્મરને નુકશાન થાય તો સત્વરે વીજ પૂરવઠો ચાલુ કરવા માટે જરૂરી તમામ માલસામાનનો પૂરતો સ્ટોક રાખવામા આવેલ છે. માલસામાનને સ્ટોરથી જરૂરીયાતવાળી જગ્યાએ તાકીદે પહોચાડવા માટે ટ્રક તેમજ અન્ય વેહિકલ સ્ટોર ઓફીસ પર તૈયાર રાખવામાં આવેલ છે.આ સાથે 140 જે તે વિસ્તારની ટીમો, 150 જે તે ડિવિઝનની કોન્ટ્રાકટર ટીમો, 294 અન્ય વિસ્તારની કોન્ટ્રાકટર તથા ડીપાર્ટમેન્ટ ટીમો, 49 અન્ય ડિસ્કોમની ટીમો, જેમાં એમજીવીસીએલ 18, ડીજીવીસીએલ 5 તથા યુજીવીસીએલ 26 ટીમો આમ કુલ 634 ટીમો શકયતાગ્રસ્ત વિસ્તારનાં ડિવિઝનોમાં રવાના કરેલ છે.
તમામ સબડીવીઝનોમાં જરૂરી માલસામાનનો પૂરતો સ્ટોક રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ચાવીરૂપ માલસામાનમાં ડિવિઝન સ્ટોર તથા પ્રાદેશિક સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. જેમાં કંડકટર 23000 કી.મી., ટ્રાન્સફોર્મર 27000 નંગ, ઈન્સ્યુલેટર 10 લાખ નંગ, જુદી જુદી સાઈઝના ટ્રાન્સફોર્મર માટેના કેબલ 525 કી.મી., જુદી જુદી સાઈઝના ગ્રાહક માટેની 32000 કોઈલ, સર્વીસ લાઈનના કેબલનો સમાવેશ થાય છે. સંભવત: આગાહીવાળા અને કાંઠાળ વિસ્તારમાં આશરે 14 વિભાગીય કચેરીઓનો વિસ્તાર અને આશરે 70 પેટા વિભાગીય કચેરીઓનો વિસ્તાર સંભવત છે.પીએસસીપોલમાં 8500 વિવિધ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. 12500 અલગ અલગ પોલ ફેકટરીમાં ઉપલબ્ધ છે., આ ઉપરાંત 68000 જેટલા પોલ અલગ અલગ પોલ ફેકટરીમાં જરૂર પડયે તુરત જ ઉપાડી શકાય તેવી સ્થિતિમાં ઉપબલ્ધ છે. આ ઉપરાંત દેવભૂમી દ્વારકા, ખંભાળીયા, અંજાર, ગાંધીધામ, ભૂજ, નખત્રાણા, માંડવી, સાવરકુંડલા, ઉના, માંગરોળ, પોરબંદર, વેરાવળ, મહુવા અને ભાવનગર રૂરલમાં ડે. ઈજનેરોની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.