ગોલ્ડ મેળવવો હવે મારી આદત બની ગઈ છે, ભલે હું પગભર ઉભો ના રહી શકું પણ મારા બાવડાના જોરે ઓલિમ્પિકમાં દેશને સર્વોચ્ચ સન્માન રૂપી ગોલ્ડ અપાવી મારુ સ્વપ્ન બહુ જલ્દી સિદ્ધ કરી બતાવીશ. આ આત્મવિશ્વાષ ભરેલા શબ્દો છે પેરાલિમ્પિક ગેમ્સ – 2024 માટે પ્રિકવોલિફાઈ થયેલા ગુજરાતના પ્રથમ પેરા પાવર લિફ્ટર એવા રાજકોટના દિવ્યાંગ યુવા ખેલાડી રામુ ઉર્ફે રામ બાંભવાના.
“ખેલો ઇન્ડિયા” અને નેશનલ ગેમ્સ ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું…
વર્ષ 2023 મારા માટે ખુબ લકી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ખેલો ઇન્ડિયા” અંતર્ગત દીવ્યંગો માટે પેરા ગેમ્સ પ્રથમ વાર શરુ કર્યું, જેનો મને લાભ મળ્યો, દિલ્હીમાં પેરા ખેલો ઇન્ડિયા” વેઇટ લીફટિંગ 72 કે.જી. કેટેગરીમાં ગોલ્ડ, ત્યાર બાદ નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેળવવાથી મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો, અને ચીનમાં એશિયન ગેમ્સ અને દુબઈમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ હું છઠ્ઠા રેન્ક પર આવ્યો.
પેરીસ ખાતે રમાનાર પેરાલિમ્પિક ગેમ્સ – 2024 માં પ્રિકવોલિફાઈ થતા હવે ફાઈનલ ક્વોલિફાઈ થવા માટે દુબઈ તેમજ થાઈલેન્ડ ખાતે રમાનારી આગામી પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ પર બધો આધાર છે તેમ રામ જણાવે છે. હાલ હું 170 કે.જી. વજન લિફ્ટ કરું છું અને ક્વોલિફાઈ થવા માટે 180 કિલોગ્રામ લિફ્ટ કરવું પડશે. પરંતુ હું 200 કિલોગ્રામ વજન લિફ્ટ કરવાના ટાર્ગેટ સાથે હાલ રોજની ચાર કલાક થી વધુ પ્રેક્ટિસ કરું છું.
સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દીની સફર અંગે રામ જણાવે છે કે, મેં વર્ષ 2010 માં ખેલ મહાકુંભથી એથ્લીટ તરીકે શરૂઆત કરેલી, પાવર લિફ્ટર માટે સૌથી મહત્વનું ફેકટર સોલ્ડર પાવર છે. મારુ અપર બોડી નોર્મલ હોઈ મેં આ રમતમાં ફોક્સ કર્યું, વર્ષ 2017 થી વેઈટ લિફ્ટર તરીકે ભાગ લેવાનું શરુ કર્યું. ત્યારબાદ મેં અનેક સ્પર્ધામાં ભાગ લીધો, આ માટે મેં ખાસ અર્જુન એવોર્ડ વિજેતા બેંગ્લોરના કોચ ફર્માન બાસા પાસે ટ્રેઇનિંગ લીધેલી.
રાજકોટ જીલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ રામ જેવા ખેલાડીઓ ગુજરાતનું ગૌરવ હોવાનું જણાવતાં કહ્યું હતું કે, વિદ્યાર્થી કાળથી બાળકોમાં રમતગમત પ્રત્યે રસ-રુચિ વધે તે માટે ખેલ મહાકુંભ, ડી.એલ.એસ.એસ. જેવી સ્પોર્ટસ પ્રવૃતિઓ સાથે લાખો વિદ્યાર્થીઓને જોડી તેમના સ્વપ્ન પરિપૂર્ણ કરવા રાજયસરકારનો રમતગમત વિભાગ કટિબદ્ધ છે. આ માટે તેઓએ રાજ્ય ખેલ મંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રધાનમંત્રીનો વિશેષ આભાર માની આગામી દિવસોમાં ગુજરાત દેશને રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વેઈટ લિફ્ટર તરીકે મસલ્સ પાવર માટે નોનવેજ નહી રોજનું બે લીટર દૂધ પીવું છું : રામ
વેઈટ લિફ્ટર તરીકે મસલ્સ પાવર માટે નોનવેજ ખાવું જરૂરી ન હોવાનું જણાવી રામ કહે છે કે મારા ડાયેટ મુજબ હું રોજનું બે લીટર દૂધ પીવું છું, આ સાથે પ્રોટીન પાવડર અને જરૂરી સપ્લિમેન્ટ્સ પણ લઉં છું.
રામભાઈ પોતાના જેવા અનેક ખેલાડીઓને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખાસ શ્રેય આપી જણાવે છે કે સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા “ખેલ મહાકુંભ” “ખેલો ઇન્ડિયા” સહીત ખેલાડીઓને રોકડ પુરસ્કાર સાથે અનેક સુવિધાઓ આપે છે. મને “શક્તિદૂત યોજના” હેઠળ રૂ. પાંચ લાખની આર્થિક સહાય પણ આપવામાં આવી છે.