મૃતક બીપીએલ કાર્ડ ધરાવે છે તેના આધારે વીમા કંપની વળતર ચૂકવવાનો નનૈયો ભણી શકે નહીં !!

બીપીએલ કાર્ડ આવકનો પુરાવો નથી તે અંગે ગ્રાહક આયોગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગરીબી રેખા નીચે (બીપીએલ) રેશન કાર્ડ વ્યક્તિની આવકનો નિર્ણાયક પુરાવો નથી, તેવું જિલ્લા ગ્રાહક આયોગે નોંધ્યું છે અને વીમા કંપનીને વીમાધારક વ્યક્તિના પરિવારને રૂ. 10 લાખ વળતર સ્વરૂપે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

મૃતકના પરિવાર પાસે બીપીએલ કાર્ડ હોવાના કારણે વીમા કંપની દ્વારા વળતરની રકમ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. આ કિસ્સામાં ખેડા જિલ્લાના કપડવંજ શહેરના કનુભાઈ સોલંકીએ બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી રૂ. 10 લાખની જીવન વીમા પોલિસી મેળવી હતી.

જાન્યુઆરી 2015 માં કાર્ડિયાક અરેસ્ટથી વીમાધારકનું મોત થયું હતું. જે બાદ મૃતકના પરિવારના સભ્યોએ વીમાની રકમ માટે દાવો કર્યો હતો, પરંતુ મૃતકે વીમો લેતી વેળાએ ખોટી આવક જાહેર કરી હોવાના આધારે કંપનીએ મૃત્યુનો દાવો નકારી કાઢ્યો. મૃતકે 1.80 લાખ રૂપિયાની વાર્ષિક આવક દર્શાવી હતી, પરંતુ તેનો પરિવાર બીપીએલ કાર્ડ ધરાવતો હતો તેવું કંપનીએ જણાવ્યું હતું.

વીમાધારકે તેની આવક વિશેના તથ્યોને દબાવવા માટે બીપીએલ કાર્ડ વિશે વીમા પોલિસી લેતી વેળાએ કોઈ પણ વિગતો જાહેર કરી ન હતી તેવું કંપનીએ જણાવ્યું હતું. પરિવારે ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન, અમદાવાદ (શહેર) સાથે વીમા કંપની સામે દાવો કર્યો હતો અને રજૂઆત કરી કે મૃતકે ક્યારેય બીપીએલ કાર્ડ માટે અરજી કરી નથી, પરંતુ સરકારે સમગ્ર વિસ્તારને બીપીએલ કાર્ડ આપ્યા હતા. મૃતકે વીમા પોલિસી મેળવ્યા બાદ પરિવારને બીપીએલ કાર્ડ મળ્યું હતું, તેવું પરિવારે જણાવ્યું હતું.  પરિવારે દલીલ કરી હતી કે બીપીએલ કાર્ડ આવકના મૂલ્યાંકન માટેનો આધાર હોઈ શકે નહીં અને એવું ન કહી શકાય.

કંપનીએ પુનરોચ્ચાર કર્યો હતો કે મૃતક બીપીએલ કેટેગરીના છે અને તેણે છેતરપિંડીથી પોલિસી મેળવી હતી. કેસની સુનાવણી કર્યા પછી, કમિશને 18 ઓગસ્ટના રોજ અભિપ્રાય આપ્યો હતો કે સાચી આવકની ઘોષણા એ પોલિસી જારી કરવા માટે વાસ્તવિક હકીકત નથી.

મૃતકે ત્રણ પ્રીમિયમ ચૂકવ્યા હતા અને તેમના મૃત્યુ સમયે પોલિસી અમલમાં હતી. વીમાદાતા બીપીએલ કાર્ડના આધારે દાવો નકારી શકે નહીં, કમિશને જણાવ્યું હતું.  “બીપીએલ રેશન કાર્ડને કાર્ડ ધારકની આવકનો નિર્ણાયક પુરાવો ગણી શકાય નહીં. કેટલીકવાર, વાસ્તવિક આવક કરતાં ઓછી આવક જાહેર કરીને વ્યક્તિ દ્વારા બીપીએલ કાર્ડ મેળવી શકાય છે,” કમિશને જણાવ્યું હતું.  તેણે વીમાદાતાને માનસિક યાતના અને કાયદાકીય ખર્ચ માટે વળતર પેટે રૂ. 15000 વધારાની સાથે મૃત્યુના વળતરની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.