આજીમાં 201 એમસીએફટી અને ન્યારીમાં 165 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા કોર્પોરેશનની સરકારમાં રજૂઆત
રાજકોટવાસીઓને 31મી જુલાઇ અર્થાત્ ચોમાસામાં વરસાદ ખેંચાઈ તો પણ નિયમિત નળ વાટે 20 મિનીટ પાણી પૂરું પાડી શકાય તે માટે શહેરની જળ જરૂરિયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં બાકી રહેતું સૌની યોજનાનું નર્મદાનું પાણી ઠાલવવા માટે કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી
હોવાનું જાણવા મળી રહ્યું છે .રાજકોટ ની જનતાએ ચોમાસા સુધી પીવાના પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત 1350 એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી. આજી ડેમમાં 1080 અને ન્યારી ડેમમાં 270 એમસીએફટી પાણી માગવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજી ડેમમાં 879 અને ન્યારી ડેમમાં 105 એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવી દેવામાં આવ્યુ હતું. હાલ 25 ફૂટે ઓવરફ્લો થતા ન્યારી ડેમની સપાટી 17 ફૂટ છે.
ડેમમાં 582 એમસીએફટી પાણી સંગ્રહિત છે દૈનિક 65 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.ન્યારીમાં 17 જૂન સુધી ચાલે તેટલો જળ જથ્થો હાલ ઉપલબ્ધ છે. જ્યારે 29 ફૂટે ઓવર ફ્લો થતા આજી ડેમની સપાટી 25.60 ફૂટ ડેમમાં 700 એક એમસીએફટી પાણી સંગ્રહિત છે.વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે દૈનિક 140 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.આજી ડેમ 10 જૂન સુધી સાથ આપે તેમ છે. જ્યારે ભાદર ડેમમાં 2344 એમસીએફટી પાણી સંગ્રહિત છે દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ 40 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. ભાદર ડેમ ઓગસ્ટ સુધી સાથ આપે તેમ છે.
શહેરીજનોને પાણીની હાડમારી વેઢવી ન પડે તે માટે કોર્પોરેશનની વોટર વર્કસ શાખા દ્વારા રાજકોટને ફાળવવામાં મંજુર કરાયેલા સૌની યોજના અંતર્ગતના નર્મદાના નીર આપવાનું બાકી છે તે ફાળવી દેવા રજૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજી ડેમમાં 201 એમસીએફટી અને ન્યારી ડેમમાં 165 એમસીએફટી પાણીની માગણી કરવામાં આવી છે.હજી બે મહિના સુધી ચાલે તેટલું પાણી બંને જળાશયોમાં ઉપલબ્ધ હોવાના કારણે કોઈ સમસ્યા સર્જાય તેમ નથી પરંતુ જો 15 મેં બાદ પાણી ફાળવવામાં આવે તો સમસ્યા ઊભી થાય તે પૂર્વે જ કોર્પોરેશન દ્વારા સરકાર સમક્ષ નવા અર્થાત બાકી રહેતા પાણીની માગણી માગણી કરવામાં આવી છે.