ખાડા બૂરવા માટે કેટલીવાર કહેવું પડે? ત્રણેય ઝોનના સિટી એન્જિનિયરોની ઝાટકણી કાઢતા ડો.પ્રદિપ ડવ
કોર્પોરેશનના અધિકારીઓ જાણે જાડી ચામડીના બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય નાગરિક કે નગરસેવકોની વાત છોડો હવે અધિકારીઓ કોર્પોરેશનના પદાધિકારીઓની વાતને પણ ગણકારતા ન હોય તેવું લાગી રહ્યું છે. મિટીંગ દરમિયાન આપવામાં આવતી સૂચનાઓ એક કાનેથી સાંભળી બીજા કાને જાણે કાઢી નાંખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.
પ્રિ-મોનસૂન કામગીરી સંદર્ભે એક મહિના પહેલા યોજાયેલી મિટીંગમાં મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓએ અધિકારીઓને ચોમાસા પહેલા શહેરના રાજમાર્ગો પર પડેલા ખાડાઓ બૂરવા તાકિદ કરી હતી. છતાં હજુ સુધી ખાડા બૂરવા માટે ગંભીરતાથી કામગીરી કરવામાં આવી ન હોય આજે મેયર ડો.પ્રદિપ ડવે ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરોની ઝાટકણી કાઢી હતી.
વેસ્ટ ઝોનના સિટી એન્જીનીંયર ગોહેલને તેઓએ રૂબરૂ બોલાવ્યા હતા અને કડક ભાષામાં કહ્યું હતું કે ચોમાસા પહેલા રસ્તા પરના ગાબડાં બૂરવા માટે કેમ વારંવાર તાકીદ કરવી પડે છે. ચોમાસાના આડે હવે માત્ર 10 દિવસનો સમય રહ્યો છે. છતાં હજુ રાજમાર્ગો પરના ગાબડા બૂરવાની કામગીરી ગંભીરતા પૂર્વક શરૂ કરવામાં આવી નથી. આ પ્રકારની બેદરકારી વ્યાજબી નથી. શહેરના રાજમાર્ગો પર એકેય ગાબડું જોવા ન મળે તે પ્રકારની કામગીરી કરવા તાકીદ કરી હતી. મેયરે સેન્ટ્રલ ઝોનના સિટી એન્જીનીંયર કોટક અને ઇસ્ટ ઝોનના સિટી એન્જીનીંયર અઢીયાને પણ ટેલીફોન પર રોડના ખાડા બૂરવા માટે સૂચના આપી હતી. હવે ફરી આ મુદ્ે ટકોર ન કરવી પડે તેવો પણ સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો.