દુબઈ ખાતે યોજાનારી છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોલોજીનાં વિકાસ પર ભાર મૂકી કરશે સંબોધન
વર્ષ ૨૦૧૭ની જેમ ૨૦૧૮ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્યસ્ત છે. અને વિદેશ પ્રવાસ સહિતના ભરચક કાર્યક્રમો છે. તાજેતરમાં સ્વિટર્ઝલેન્ડના દાવોસની મુલાકાત લીધા બાદ અને સમીટમાં ભારતનો ડંકો વગાડયા બાદ હવે, વડાપ્રધાન મોદી શુક્રવારે યુનાઈટેડ અરબ અમીરાત યુએઈ, ઓમાન અને પેલેસ્ટાઈન એમ ત્રણ દેશોનાં પ્રવાસે જવાના છે. આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન પીએમ મોદીનો ટાર્ગેટ વેપાર, ઉર્જાને રોકાણ રહેશે.
દાવોસ ખાતે મળેલી વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયા સમક્ષ ભારતનો આગવો ચહેરો રજૂ કર્યો હતો. અને ભારતમાં વેપારની અઢળક તકો રહેલી છે તેમ કહ્યું હતુ. આ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ વેપાર ક્ષેત્રે ખાસ ભાર મૂકયો હતો. અને આ પહેલને આગળ વધારવાના ભાગરૂપે પીએમ મોદી યુએઈ અને ઓમાનની મુલાકાત દરમિયાન ત્યાંની નામાંકીત કંપનીઓનાં સીઈઓને મળશે. દુબઈમાં છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટ મળનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોલોજીના વિકાસ પર ફોકસ કરી સંબોધન કરશે.
દસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈન પહોચશે અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમંદ અબ્બાસ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પેલેસ્ટાઈન સાથે છ મોટા કરાર થાય તેવી શકયતા છે. જયારે યુએઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી વર્લ્ડ ગવર્નમેન્ટ સમીટને સંબોધશે. અને અબુધાબીનાં ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન ઝૈયદ સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની યુએઈ સાથેની આ બીજી મુલાકાત હશે. આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેપાર ક્ષેત્રે ઉર્જા ક્ષેત્રે અને રોકાણ પર ખાસ ભાર મૂકશે.