શ્રીલંકામાં કોરોનાના કેસોએ અજગરી ભરડો લેતા એશિયા કપ રમાડવા પર પ્રશ્નનાર્થ
પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડાયેલ એશિયા કપ કોરોનાના વધતા કેસના કારણે રદ કરાયો છે. એશિયા કપ છેલ્લે 2018માં યોજાયો હતો. આ વર્ષે એશિયા કપ જૂન મહિનામાં યોજાવાનો હતો. પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સીઈઓ એશ્લી ડિસિલ્વાએ જાહેરાત કરી હતી કે કોરોના મહામારીમાં વધતા કેસ વચ્ચે આ ટૂર્નામેન્ટ યોજવી મુશ્કેલ છે. અમારા માટે જૂનમાં આ ટૂર્નામેન્ટ કરવી શક્ય નથી.
જોકે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શનના કારણે ભારતની ટીમ ત્યાં જાય એ શક્ય ન હતું, આથી ટૂર્નામેન્ટને શ્રીલંકામાં યોજવાનું નક્કી કરાયું હતું. ભારત-પાકિસ્તાનની મેચ જોવા ઈચ્છતા લોકો માટે આ ખરાબ સમાચાર છે. કોરોનાને લીધે ઘણાં આયોજનો પર પાણી ફરી વળ્યું છે ત્યારે આ ટૂર્નામેન્ટ પણ રદ કરાઈ છે.
હવે આ ટૂર્નામેન્ટ 2023ના વનડે વર્લ્ડ કપ પછી સંભવ છે. જોકે BCCI સેક્રેટરી જય શાહની અધ્યક્ષતાવાળી એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સત્તાવાર જાહેરાત બાકી છે.
કોરોનાના વધતા કેસના કારણે શ્રીલંકાની સરકારે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પર 10 દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.