- પોસ્ટલ બેલેટ માટે 29મીએ સ્ટાફને ખાસ તાલીમ અપાશે : બેઠકમાં 12,600 જેટલા મત પોસ્ટલ બેલેટ મારફત પડ્યા હતા
રાજકોટ ન્યૂઝ : રાજકોટ બેઠક ઉપર 26 ટેબલમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. આ પોસ્ટલ બેલેટ માટે 29મીએ સ્ટાફને ખાસ તાલીમ પણ આપવામાં આવશે. જેમાં અધિકારીઓ દ્વારા સ્ટાફને એ ટુ ઝેડ માર્ગદર્શન અપાશે.
રાજકોટ લોકસભા બેઠક ઉપર ગત તા.7મેના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પૂર્વે તબક્કાવાર વિવિધ સરકારી કર્મચારીઓ જેઓ ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા હતા. તેઓનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. રાજકોટ લોકસભા બેઠક ઉપર 12,600 જેટલા ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
હવે આ પોસ્ટલ બેલેટના મત તા.4 જુનના રોજ યોજાનાર મતગણતરીમાં સૌ પ્રથમ ગણવામાં આવશે. આ માટે મતગણતરી કેન્દ્ર એવી કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે 26 ટેબલ ગોઠવવામાં આવશે. પોસ્ટલ બેલેટની મત ગણતરી સુવ્યસ્થિત રીતે થઈ શકે એ માટે જિલ્લા ચૂટણી અધિકારી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર દ્વારા આગામી તા. 29 મેના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર દ્વારા મતગણતરી સ્ટાફને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠક ઉપર પોસ્ટલ બેલેટની સંખ્યા 12,600 જેટલી છે. આ માટે 26 ટેબલ ગોઠવવામાં આવશે. જેમાં દરેક ટેબલ ઉપર અંદાજે 500-500 જેટલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મતગણતરી સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 700 જેટલા સ્ટાફે તાલીમ મેળવી હતી. આ તાલીમમાં ઇવીએમ સિલ કેમ તોડવા, ક્લોઝ બટન કઈ રીતે દબાવવું, અંગ્રેજીનાં આંકડા કેવી રીતે લેવા, એજન્ટની શીટ કેવી રીતે લેવી તે અંગે કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઇટીપીબીએસના 292 મતની ગણતરી 3 કલાક જેટલો સમય ચાલશે
ઇટીપીબીએસ એટલે કે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ હેઠળ દેશના અન્ય રાજ્યમાં તેમજ દૂર છેવાડાના વિસ્તારોમાં ફરજ બજાવતા સૈનિકો સહિતના લોકો મતદાન કરતા હોય છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર આવા 292 મત પડ્યા છે. આ મતની ગણતરી માટે 2 ટેબલ ફાળવવામાં આવશે. તેમાં કવર સ્કેન કરવા તેમજ બેલેટને સ્કેન કરવા સહિતની જટિલ પ્રક્રિયા હોવાથી માત્ર 292 મતની ગણતરી કરતા જ અંદાજે 3 કલાક જેટલો સમય થઇ જશે.