૨૭ મે સુધી ફોર્મ ભરી શકાશે: ૭મી જુને પ્રથમ પ્રવેશ યાદી બહાર પડાશે: ૧૪મી જુનથી બીજા રાઉન્ડનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આખરે પોસ્ટ ગ્રેજયુએશન (પી.જી) અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાની સતાવાર જાહેરાત કરી છે જોકે અત્યાર સુધીમાં મોટાભાગનાં વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળવી લીધો છે અને યુનિવર્સિટીએ છેલ્લે-છેલ્લે પ્રવેશ પ્રક્રિયા હાથધરી છે. બી.એ., બી.કોમ, બી.એસસી સહિતનાં ફાઈનલ વર્ષનાં પરીણામ ૨૫ દિવસ અગાઉ જાહેર કર્યા હોય છતાં પણ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી પોસ્ટ ગ્રેજયુએશન માટેની પ્રક્રિયા હાથધરી ન હતી અને હવે યુનિવર્સિટી જાગી છે.
એમ.એ.માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, વાણિજય, કેમેસ્ટ્રી, ફિલોસોફી આ ઉપરાંત ઈલેકટ્રોનિક બાયોસાયન્સ, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, હોમ સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, કાયદો, ફાર્માસી, બાયોકેમેસ્ટ્રી, ગ્રંથાલય, શારીરિક શિક્ષણ, સમાજકાર્ય, કોમ્પ્યુટર સાયન્સ અને નેનોસાયન્સ એન્ડ એડવાન્સ મટીરીયલ સહિતનાં ૨૮ જેટલા કોર્ષોમાં પોસ્ટ ગ્રેજયુએશન માટેની પ્રવેશ પ્રક્રિયા આરંભી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ ૨૭ મે સુધી આ તમામ માટેનાં ફોર્મ ભરી શકાશે. જેમાં તા.૫ જુને ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ ૭મી જુને પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે અને તા.૧૪મી જુનથી પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ થશે.