ત્રણ દિવસની રજા બાદ વીજળીનું બીલ ભરવા પોસ્ટ ઓફિસે પહોંચેલા ગ્રાહકોને સિસ્ટમ અપડેટનું કારણ જણાવાયું: તમામ સબ ડિવિઝનોમાં બીલ ભરવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી
પોસ્ટ વિભાગે સીસ્ટમ અપડેટમાં મુકી હોવાના કારણે વીજ બીલ ભરવા આવતા લોકોને ધરમના ધકકા થઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસની રજા બાદ મોટી સંખ્યામાં લોકો પોસ્ટ ઓફિસે વીજ બીલ ભરવા પહોંચી રહ્યાં ત્યારે આ તમામ ગ્રાહકોને સીસ્ટમ અપડેટનું કારણ આપીને બીલ ભરવાની ના પાડી દેવામાં આવી હતી. જેના પગલે આજરોજ શહેરની તમામ સબ ડિવિઝન કચેરીઓ ખાતે બીલ ભરવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી.
ગત તા.૨૨ના રોજ ગુરુનાનક જયંતી, તા.૨૩ના રોજ ચોથો શનિવાર અને તા.૨૪ના રોજ રવિવાર હોવાના કારણે ત્રણ દિવસ રજાઓ હતી. બાદમાં આજે ખુલતા દિવસે વીજ બીલ ભરવા મોટી સંખ્યામાં લોકો પોસ્ટ ઓફિસો ખાતે ઉમટી પડયા હતા.
પરંતુ ત્યાંથી એવું કહેવામાં આવતું હતું કે, ‘સીસ્ટમ અપડેટનું કામ ચાલુ હોવાથી વીજ બીલ ભરવાની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે, પોસ્ટ વિભાગ દ્વારા સીસ્ટમ અપડેટના કારણે વીજ બીલ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે તેવી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત અગાઉ કરવામાં ન આવી હોવાથી મોટી સંખ્યામાં લોકોને ધરમના ધકકા ખાવા પડયા હતા.મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસ તેમજ સબ ડિવિઝન કચેરી ખાતે વીજ બીલ ભરવાનો આગ્રહ રાખે છે. ત્યારે પોસ્ટ વિભાગે જો વીજ બીલ ભરવાની પ્રક્રિયા થોડા દિવસ માટે બંધ રાખવાની હોય તો સત્તાવાર રીતે પ્રેસ રીલીઝ કરી કામગીરી બંધ રહેવાની વિગત લોકો સુધી પહોંચાડવી જરૂરી બને છે .
ત્યારે પોસ્ટ વિભાગે આ પ્રકારે જાહેરાત ન કરતા મોટી સંખ્યામાં લોકોને પોસ્ટ ઓફિસો ખાતે ધકકા થયા હતા. ઉપરાંત ત્રણ દિવસની રજા વીત્યા બાદ આજે ખુલતા દિવસે અનેક ગ્રાહકો પોતાનો કામ ધંધો છોડીને વીજ બીલ ભરવા આવ્યા હતા. તેઓને સબ ડીવીઝન કચેરીઓ ખાતે લાંબી કતારોમાં કલાકો ઉભા રહીને વીજ બીલ ભરવાની ફરજ પડી હતી.
આ અંગે પોસ્ટ વિભાગનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા ગત તા.૨૨ થી સીસ્ટમ અપડેટની પ્રક્રિયા હાથ ધરી હોવાથી વીજ બીલ ભરવાની કામગીરી હાલ પુરતી મોકુફ રાખી છે. વધુમાં પોસ્ટ વિભાગ દ્વારા કયાં સુધી વીજ બીલ ભરવાની પ્રક્રિયા બંધ રહેશે તે અંગે કોઈપણ પ્રકારની વિગત આપવામાં આવી નથી.