આગામી 26મી જૂનના રોજ રાત્રી કરફયુ અને મીની લોકડાઉનની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજયમાં આગામી રવિવારથી રાત્રી કરફયુમાં બે કલાકની છૂટછાટ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠકમાં મહા વેકિસનેશન અભિયાન, મીની લોકડાઉનમાં છૂટછાટ વધારવા અને કોરોના અટકેલા વિકાસ કામોને આગળ ધપાવવા સહિતના મુદાઓ પર ચર્ચાઓ
દર બુધવારે રાબેતા મુજબ રાજય સરકારની કેબીનેટ બેઠક મળે છે જેમા અલગ અલગ મુદાઓ પર ચર્ચાઓ કરવામાં આવે છે. રાજયમાં છેલ્લા એક પખવાડીયાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રીનાં 9 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયુ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત દુકાનો માત્ર 7 વાગ્યા સુધી જ ખૂલ્લી રાખવાની છૂટ આપવામાં આવે છે.
હવે જયારે કોરોનાની બીજી લહેર પૂર્ણ થવામાં છે.ત્યારે રાત્રી કરફયુમાં બે કલાકની છૂટછાટ આપવામા આવે તેવી સંભાવના જણાય રહી છે. સંભવત: આગામી રવિવારથી રાજયના 36 શહેરોમાં રાત્રી કરફયુની અવધી રાત્રીનાં 9 વાગ્યાના બદલે રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત દુકાનો 7 વાગ્યાને બદલે 9 વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટછાટ આપવામાં આવશે.
18 થી 44 વર્ષના નાગરિકોને ઓનધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે મફતમાં વેકિસન આપવાનાં મહાઅભિયાનનો ગત 21મીથી આરંભ કરવામાં આવ્યો છે. જયારે રાજયમાં વેકિસનેશન મહાઅભિયાન વધુ વેગવંતુ બને તે માટે જરૂરી આયોજનો કરવા અંગે પણ આજે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. હાલ ચોમાસાની સિઝનમાં જો ભારે વરસાદ પડે તો જળપ્રલય જેવી સ્થિતિમાં લોકોને બચાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસાની સીઝનમાં વાહકજનીય રોગચાળો ફાટી ન નીકળે તે માટે પણ જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.
દરમિયાન કોરોનાની બીજી લહેરમાં લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે રાજયમાં વિકાસકામો પર થોડી ઘણી અસર પડી હતી. હવે જયારે કોરોનાનો ખોફ ઘટી ગયો છે ત્યારે ફરી વિકાસકામોનો ધમધમાટ શરૂ થાય તે દીશામાં કાર્યવાહી કરવા સંબંધીત વિભાગોને સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજયમા રાત્રી કરફયુની અવધી બે કલાક ઘટાડવા અંગે આગામી એકાદ બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે.