- ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટીઝ સુધારા બિલને રાજ્યપાલની લીલીઝંડી : લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ કરાશે લાગુ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, 2024ને સંમતિ આપી હતી. જે ગયા મહિને બજેટ સત્રમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ નવુ બીલ અમલમાં આવ્યા બાદ હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના છે.
તાજેતરમાં વિધાનસભામાં બજેટ સત્રના છેલ્લા દિવસે સહકારી મંડળીઓ અધિનિયમમાં સુધારો પસાર કરવામાં આવ્યો છે. તેમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. હાલમાં હાઉસિંગ સોસાયટીમાં મકાનનું વેચાણ થાય ત્યારે બેફામ ટ્રાન્સફર ફી વસુલવામાં આવતી હોવાની ફરિયાદ છે. તેના અંગે નવા સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી. જેથી બેફામ ટ્રાન્સફર ફી વસુલવાનું બંધ કરવામાં આવશે. આ સુધારા બીલને રાજયપાલની મંજૂરી મળી ગઈ છે. જે સામાન્ય ચૂંટણીઓ પછી અમલમાં આવે તેવી અપેક્ષા છે.
સહકારી મંડળીમાં મકાનોના વેચાણ માટેની ટ્રાન્સફર ફી મહત્તમ રૂ. 50,000 સુધી મર્યાદિત હોવાની શક્યતા છે. સરકાર કાં તો સોસાયટીઓ દ્વારા વસૂલવામાં આવતા ડેવલપમેન્ટ ચાર્જને મર્યાદિત કરી શકે છે અથવા તો ડેવલપમેન્ટ ચાર્જ વસૂલવાની પ્રથાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકે છે, એમ સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
આ સુધારો સરકારને વર્તમાન માલિક પાસેથી મકાન ખરીદનાર વ્યક્તિ પાસેથી સહકારી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા વસૂલવામાં આવતા ટ્રાન્સફર ચાર્જીસ નક્કી કરવા માટે નિયમો નક્કી કરવાની સત્તા આપે છે. સુધારા દ્વારા, સરકારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, 1961 માં એક નવી કલમ દાખલ કરી, જે કહે છે કે “કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અથવા કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી નિયત ફી કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલશે નહીં.”
બિલની રજૂઆત કરતા, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે હાલના કાયદામાં રહેણાંક એકમના નવા માલિક પાસેથી સોસાયટીઓ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી અંગે કોઈ ચોક્કસ જોગવાઈ નથી.
દર વર્ષે આ કાયદા હેઠળ 1,500 નવી હાઉસિંગ સોસાયટીઓ નોંધાય છે. કોઈપણ જોગવાઈની ગેરહાજરીમાં, સોસાયટીનું મેનેજમેન્ટ તેના વિવેકબુદ્ધિ મુજબ નવા માલિક પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરે છે. કેટલીકવાર ટ્રાન્સફર ફી ઘણા લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે અને સોસાયટી નવા માલિકને તે ચૂકવવા દબાણ કરે છે, ”તેમણે વિધાનસભામાં કહ્યું હતું.સુધારા દ્વારા હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કે સેક્રેટરી મનસ્વી રીતે ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં.
કાયદામાં સુધારા દ્વારા, સરકારે એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે વર્તમાન કાયદામાં જરૂરી ઓછામાં ઓછા 10 સભ્યોને બદલે હવે આઠ સભ્યો સાથે સહકારી હાઉસિંગ સોસાયટીની નોંધણી કરાવી શકાશે. આ ફેરફાર રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ સાથે સમાનતા લાવવા માટે કરવામાં આવ્યો હતો, જે કહે છે કે જો હાઉસિંગ પ્રોજેક્ટમાં આઠ કે તેથી વધુ એકમો હોય તો રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી હેઠળ નોંધણી ફરજિયાત છે.