‘ભાર વિનાનુંં ભણતર’ના સ્વપ્ન દ્રષ્ટા પ્રો. યશપાલજીનાં વિચારો નવી શિક્ષણ નિતિ-2020માં જોવા મળે છે. ગુજરાતે ગિજુભાઇ બધેકા ‘મૂંછાળી મા’ના શિક્ષણ પઘ્ધતિથી રંગાઇને એક ક્રાંતિ કરી હતી
આજે શિક્ષણમાં છાત્રોના દફતરનો ભાર તેના વજન કરતાં વધુ જોવા મળતાં શિક્ષણ વિભાગે નિયમો બનાવવા પડયા છે. ‘લરનિંગ વિધાઉટ બર્ડન’ અર્થાત ભાર વગરના ભણતરની સંકલ્પના શિક્ષણ સાથે જોડાયેલ તમામે શીખવી જ પડશે, આજના યુગમાં અંગ્રેજી પાછળ આંધળી દોડ મુકનાર સૌ કોઇએ ‘દર્શક’ ના વિચારો સમજવા જરુરી છે. નવી આવી રહેલી શિક્ષણ નિતિમાં ધો.પ સુધી હવે માતૃભાષામાં જ શિક્ષણ અપાશે. મુંછાળી મા ની શિક્ષણ પઘ્ધતિથી આપણે ક્રાંતિ કરી હતી સાથે રાષ્ટ્રના ઐકય માટે પણ હિન્દી શીખવી પડે છે. એ હવે સૌ એ સમજવાની જરુર છે. વાંચન, ગણન અને લેખનમાં હોંશિયાર છાત્રનો સંર્વાગી વિકાસ ઝડપી થાય છે.
સમગ્ર દેશ માટે સહુથી દુ:ખદ કોઈ સમાચાર હોય તો તે છે પ્રો યશપાલજીનું અવસાન. Learning Withaout Burdan એટલે કે ભાર વિનાનું ભણતરનો રિપોર્ટ આપનાર રાષ્ટ્રીય કમિટિના તેઓ અધ્યક્ષ. આ કમિટિ દર્શક સાથે શિક્ષણની ચર્ચા વિચારણા કરવા માટે લોકભારતીમાં આવેલી હતી.
GCERTએ ભાર વિનાનું ભણતર યજ્ઞ સ્વરૂપે હાથ ધારેલુંને સમગ્ર રાષ્ટ્રએ તેની નોંધ લેવી પડેલી. આ યજ્ઞને ગુજરાતે – ગિજુભાઈ બધેકા મૂછાળી માની શિક્ષણ પદ્ધતિથી રંગીને એક ક્રાંતિ કરી હતી. ભાર વિનાના ભણતરની તાલીમ જોવાને માટે પ્રો. યશપાલજી પાલીતાણા પધારેલા. આ સમયે યોજેલ બાળમેળો જોવાને દર્શક પણ પધારેલા, આ પ્રસંગ સમગ્ર શિક્ષણ જગત માટે ગૌરવ દિન સમો બની રહ્યો હતો. આજે પણ તેની યાદ આવતાં આંખમાં હર્ષના આંસુ વહી જાય છે.
અંગ્રેજી પાછળ આંધળી દોટ મુકનારા સહુ માટે દર્શકના વિચારો જાણવા જરૂરી છે. પ્રાથમિક શિક્ષણમાં અંગ્રેજી અંગે એક પત્રમાં દર્શક લખે છે, કાલે એક પરદેશી મહેમાન આવેલા. તે કહે તમે અંગ્રેજી વિરોધી છો? મેં કહ્યું હું સારું અંગ્રેજી બોલું છુ. હાર્વર્ડ યુનિવર્સીટીમાં ભાષણ કરેલું. અમેરિકાની યેઇલ યુનિ.માં પણ બોલેલો. અમારો વાંધો પાંચમાંથી અંગ્રેજી શરુ કરવા સામે છે. આઠમાંથી શરુ કરો… તમે અંગ્રેજીમાંથી સીધા ફ્રેન્ચ કે જર્મનમાં જઈ શકો. વચ્ચેમાં લેટિન શીખવી પડતી નથી. અમારે હિન્દી શીખવી પડે નહીંતર રાષ્ટ્રનું ઐક્ય જોખમાય. હિન્દી વિના હું આસામી-ઉરિયા- તેલુગુ- તાલીમનું સાહિત્ય વાંચી કેવી રીતે શકું? આ સમજાવ્યું તેનાથી સંતોષ થયો અને કહે અમે તમારા જેવાને અંગ્રેજી વિરોધી ગણતા હતા. જે અમારી ભૂલ હતી.
આજે આપણે બધા, દેશમાં ઘટી રહેલી રાષ્ટ્રીયતા અંગે ખૂબ ચિંતા સેવી રહ્યા છીએ. ત્યારે માતૃભાષા કેટલી મહત્ત્વની છે, તે અહીં સમજાય છે. અંગ્રેજી વિષય અંગે દર્શક વધુમાં લખે છે કે, અંગ્રેજી પાંચમાંથી ફરજીયાત કર્યું એટલે એનીયે જેહાદ કરવી પડશે. પત્રો નિવેદન ચાલે છે. પાંચમાં ધોરણમાં બે નવી ભાષા છોકરાં પર પડે. ગુજરાતીના ઠેકાણા નથી ત્યાં સટરપટર અંગ્રેજી શું કામનું ?? ગુજરાતી, નામું, ગણિત પાકા ન કરીએ? પણ લોકાભિમુખ ભણેલનું ચાલતું નથી.”
આઠમાંથી અંગ્રેજી લઈને પાસ થનારાનું લિસ્ટ આંબલાએ કાઢ્યું તો 98.5%. પાંચમીવાળાનું હવે મંગાવીએ છીએ. પણ ત્રણ વર્ષ છોકરાના બગાડવા, ગુજરાતી હિન્દી નબળું રહે તે ફાયદામાં ! પણ સમજવું છે કોને? અધ્યાપન મંદિરોમાંથી ઉદ્યોગ દૂર કર્યો ને ચોથીમાં હિન્દી, પાંચમીમાં અંગ્રેજી અને છઠ્ઠામાં સંસ્કૃત દાખલ કર્યું. આ બદલાવવું જોઈએ. “આ દેશનું પ્રાથમિક શિક્ષણ ખાનગી ન જ હોય. થાય તો મુસલમાન વધુ મુસલમાન થાય ને ખ્રિસ્તી વધારે ખ્રિસ્તી બને એ કુમળી વયે ભારતીય નાગરિકના સંસ્કાર મેળવે તે અનિવાર્ય અને નિરપવાદ છે.” દર્શક બહુ સ્પષ્ટપણે કહેતા કે સાહિત્ય અને શિક્ષણ સ્વાયત જ હોવા જોઈએ. આ લોકશાહીમાં રાજ્ય તો બહુ તો પાંચ વર્ષ, અભાગિયા હોય તો 6 માસ. જ્યારે શિક્ષણ અને સાહિત્ય સતત અને કાયમી છે, તેમાં પક્ષનું ચલણ ન હોય.” દર્શક લખે છે, લોકો મંદિરો, કોલેજો બાંધે છે બાલમંદિરો નહિ. તે મોટી ભૂલ છે .. સાચા પુસ્તકો સત્સંગ છે. તીર્થે તો જવું પડે છે. સાધુઓ ઓછા થતાં જાય છે, ત્યારે પુસ્તકોનો સત્સંગ સુલભ ગુજરાત વિદ્યાપીઠ અને ખેતી યુનિવર્સિટીના કુલપતિની વાત આવી છે. મેં ના પાડી છે. બાપુ પાસેથી સારા માણસ થવાનું શીખ્યો છું. મારો આદર્શ દેવ કૃષ્ણ બધા કામ, પાતળ ઊંચકવાના પણ કર્યા અને સત્તા ન લીધી.”
દર્શકને જીવતા જીવન સાથે, સમાજ સાથે, ભીતરની સંવેદના સાથે પૂરી નિસબત હતી. તેમની કલમ અને જીભ આ સંદર્ભે સતત ચાલતાં જ રહ્યાં. લોકસભામાં દર્શક વિષે કહેવાયું કે આપણે ગાંધીજીનું નામ લઈએ છીએ પણ એને સમજવા માટે મનુભાઈ પંચોલી પાસે જવું પડે. શિક્ષણમાં કાંઈ કરવું હોય તો મનુભાઈ પંચોલી પાસે જવું પડે. આયોજનનો સાચો પાયો સમજવો હોય તેણે મનુભાઈ પંચોલી પાસે જવું પડે.”
નખશીખ પ્રામાણિક વહીવટની સુવાસ આજે પણ આપણે માણી રહ્યા છીએ તેવા પૂર્વ વડા પ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈ પણ લોકભારતી શિક્ષણથી ખુબ અભિભુત હતા. બ્રિટિશ બ્રોકાસ્ટીંગ કંપની BBCને તેઓએ કહેલું કે શિક્ષણ જોવું હોય, સમજવું હોય, તો નાનાભાઈ અને દર્શકની સંસ્થા.
લોક્ભારતી સણોસરા જઈને જુઓ. વિશ્વ પ્રસિદ્ધ BBC લોકભારતી આવી. એક ડોક્યુમેન્ટરી બનાવી અને વિશ્વ કક્ષાએ બ્રોડકાસ્ટ પણ કરી
મને કુદરતી રીતે હિમાલયનું ઘેલું છે. લોકભારતીના પૂર્વ પ્રોફેસર માન ભાણદેવજીનું હિમાલય દર્શન વાંચો એટલે ઘેલું લાગ્યું સમજો, હિમાલય અવાર નવાર જાઉં છું. દર વખતે કોઈને કોઈ નવા પથને નવા શિખરને જોઉં છું તેને વિષે જાણું છું. દર વખતે હિમાલય વિશેનું મારું અજ્ઞાન સામે આવે છે. હિમાલયમાં ફૂલોની અનેરી ઘાટી પણ છે. તે માણી છે. પણ હિમાલયમાં તો ફૂલોની આવી કેટલીયે ઘાટી છે. લોક્ભારતીનું પણ આવું જ છે. તેના પૂર્વ નિયામક પ્રવિણભાઈએ અને પ્રસિદ્ધ કટાર લેખક ભદ્રાયુભાઈએ પોતાના પુસ્તકમાં આવા કેટલાયે શિખરોને સુંદર રીતે દર્શિત કર્યા છે. આ તો પવિત્ર ગંગા પ્રવાહ છે, અવિરત છે, પૂર્ણ વિરામ શક્ય જ નથી!
આજે લોકભારતીમાં ડો. અરુણભાઈ દવે ધૂણી ધખાવીને બેઠા છે. અમેરિકાની યુનિવર્સિટીની ઓફર ઠુકરાવીને લોકભારતી માટે સમર્પિત થઇ ગયા છે. સાથમાં સરસ મજાની સમર્પિત ટિમ છે. લોકભારતી ઉપરાંત માઇધર મણાર નવસર્જિત થઇ રહ્યાં છે. જાણીતા અને માનીતા ઉદ્યોગપતિ માન. શ્રી મધુકરભાઈ પારેખ અને પરિવારનો અકલ્પ્ય સહયોગ છે. ભુજેડીના દીર્ઘદ્રસ્ટા કાંતિકાકા શ્રોફનો અને મંત્રી મનસુખભાઇ માંડવીયાનો પણ જબરો સહયોગ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહયોગ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
તો પણ આજના પ્રદુષિત વાતાવરણનું ભારે દુ:ખ છે. તેની અસર લોકભારતી અને આ કબીરવડમાંથી પાંગરેલી લગભગ બધી જ બુનિયાદી સંસ્થાઓ ઉપર પડી છે. તેમાંથી ઉગરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેલાસર જાગરણ કરવું જ પડશે. માતૃ સંસ્થાનાં પોકારને સાંભળવો જરૂરી છે. વિશ્વની પ્રસિદ્ધ બધી જ યુનિવર્સિટી જુઓ, ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો નિસ્વાર્થ સહયોગ જ મોટો આધાર છે. તેની ખુશ્બનું આ રહસ્ય છે. ગુજરાતમાં પણ આવા દાખલાઓ મોજુદ છે. લોકભારતી માટે પણ આ શક્ય છે.
કેળવણીનું જેમને સાચું દર્શન થયેલું તેવા દર્શકને એક વાતનું કાયમી દુ:ખ રહ્યું છે. તેઓ લખે છે કે, લોકો મને સાહિત્યકાર તરીકે વધારે ઓળખે છે, નવી કેળવણીના નવો ચીલા પાડનાર તરીકે મારી કદર નથી. હું નઈ તાલીમને જ મૂળ પાયો માનતો ન હોત તો રાજકારણમાં રહ્યો હોત. જેમનું સૌના હિતમાં જ મારુ હિત છે તેમ માન્યતા હોય, તેણે રાજકરણ અને નઈતાલીમ સમજ્યે જ છૂટકો” એક પત્રમાં તેઓ લખે છે મને દિવાળીબાઈ ટ્રસ્ટ તરફથી ત્રણ લાખ રૂપિયા પુરસ્કાર રૂપે મળ્યા છે. પૈસા વિશે ભગવાનની કૃપાથી મને સ્પૃહા નથી. ત્રણ ટંક ખાવાનું મળે એટલે બસ. છેક 1067થી મેં સંસ્થા પાસેથી કંઈ લીધું નથી. મને તો કવિતા-ઇતિહાસ ભણાવવાનું મળે તે જ પુરસ્કાર.”
ધર્મઅને કેળવણીને આત્મસાત કરનારા દર્શક કહે છે, આટલા લાંબા જીવનમાં મેં કોઈનું, દુશ્મનનુંય બૂરું કર્યું કે વાંધ્યું નથી. ધનની મને સ્પૃહા હતી નહીં અને છે નહીં. અને સત્યનું આચરણ બનતી જાગૃતિપૂર્વક કર્યું છે. હાર્વર્ડ અને ચેઇલ યુનિવર્સિટી સુધી ખુશ્બ પ્રસરાવનારા, વિશ્વ પ્રવાસી, વિશ્વ અને ભારતના ઇતિહાસના બહુ જ અચ્છા જાણકાર તેવા દર્શક બુલંદપણે કહે છે કે નઈ તાલીમ સિવાય દેશનો ભલીવાર થવાનો નથી.દર્શકે બુનિયાદી શિક્ષણ માટે જીવન સમર્પિત કર્યું. આ મહામાનવને એક વાતનો ખેદ રહ્યો. તેઓ મનીષીની સ્નેહધારા’માં રેણુકાબહેનના લખે છે કે કોઈકવાર ખેદ થાય છે કે આટલાં 60 વર્ષ નઈ તાલીમ પાછળ આપ્યાં, પણ નથી રાજ્યને તેની કિંમત સમજાતી, નથી પ્રજાને “દર્શકને શત શત વંદન કરું છું.