કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજકોટના ૫ સહિત ૯ દર્દીઓને કોરોના ભરખી ગયો
રાજકોટમાં છેલ્લા ૨૦ કલાકમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું હોય તેમ વધુ ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં કુલ કેસનો આંકડો ૧૦૯૮ પર પહોંચ્યો છે. જ્યારે શહેરની જુદી જુદી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા અલગ અલગ ગામના ૯ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ માત્ર સંખ્યાની જ જાહેરાત કરી સરનામુ કે, કોરોનાગ્રસ્ત દર્દીના નામ જાહેર કર્યા ન હતા.
રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વકરતા ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવી સહિતના કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સાથે મુલાકાત કરી હતી. ત્યારે છેલ્લા ૨૦ કલાકના સમયગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ ૨૬ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં કોરોનાની ટેસ્ટની સંખ્યા ડબલ કરવાનું કહ્યું હતું ત્યારે આજરોજ કોર્પોરેશન દ્વારા પ્રકાશિત થયેલા આંકડાઓ છેલ્લા અઠવાડિયામાં સૌથી ઓછા હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ નોંધાયેલા વધુ ૨૬ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે શહેરી વિસ્તારમાં કુલ કેસની સંખ્યા ૧૦૯૮ પર પહોંચી છે.
રાજકોટ શહેરમાં જુદી જુદી કોવિડ હોસ્પિટલોમાં સૌરાષ્ટ્રભરના કોરોના પોઝિટિવ દર્દી સારવાર મેળવી રહ્યાં છે. જેમાં ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં રાજકોટના પરસાણાનગરમાં રહેતા રમણીકભાઈ કરૂણાશંકર જાની (ઉ.૮૦), રામનાથપરાના મોંઘીબેન ભલાભાઈ વાઘેલા (ઉ.૬૦), જુની જેલ પાસે રહેતા કાજલબેન ઘેલાભાઈ સરાલા (ઉ.૨૧), જનતા સોસાયટીના પરસોતમભાઈ બાબુભાઈ ઉનડકટ (ઉ.૮૩), સોમનાથ સોસાયટીના ચેતનભાઈ હરગોવિંદભાઈ કાનાબાર (ઉ.૫૫), મોરબીના હનિફાબેન અકબરશા શાહમદાર (ઉ.૭૦), કાલાવડ તાલુકાના બાલંભીડી ગામના મંજુલાબેન જશમતભાઈ અકબરી (ઉ.૫૫), બાબરા તાલુકાના સુકાવાડા ગામના નથુભાઈ પ્રેમજીભાઈ મેરાણીયા (ઉ.૬૦) અને જસદણ તાલુકાના પ્રતાપપુર ગામના કેશુભાઈ હરજીભાઈ પરાખીયા (ઉ.૬૦)નું આજરોજ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા મુખ્યમંત્રીએ ગઈકાલે શહેરમાં કોરોનાની લગતી સુવિધાઓ વધારવા માટેની જાહેરાત કરી હતી. જેમાં શહેરની તમામ કોવિડ હોસ્પિટલોમાં બેડ વધારવાનું અને આરોગ્ય વિભાગ દ્વારા ડબલ સેમ્પલીંગ ટેસ્ટ કરવાનું જણાવ્યું હતું. જેના માટે રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવાનું પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન આપ્યું હતું.