મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી કરાવશે શુભારંભ
કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મકકમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ઘણા સારા પરિણામો મળ્યા છે જેથી પ્રેરાઇને આવતી કાલ તા.૩જી જુલાઇ-૨૦૧૮થી ‘પોષણ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ થશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાનાર આ અભિયાનનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી સવારે ૧૦.૦૦ કલાકે શુભારંભ કરાવશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ સમારોહ સવારે ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક દરમિયાન યોજાશે. જેમાં પોષણ અભિયાનના શુભારંભ બાદ રાજ્ય સ્તરિય અભિમુખતા કાર્યશાળા પણ યોજાશે. જેમાં આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મુખ્ય સચિવ શ્રી ડૉ.જે.એન.સિંઘ, કેન્દ્ર સરકારના મહિલા બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી રાકેશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે, એમ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી મિલિન્દ તોરવણે દ્વારા જણાવાયું છે.