અશોક થાનકી, પોરબંદર: મધ્ય પ્રદેશ ખાતે આયોજિત ઇન્ડિયાઝ ટોપ મોડલ 2021મા પોરબંદરની યુવતીએ મેદાન માર્યું છે. આ યુવતી મીસ ગુજરાત બની છે. સ્પર્ધામાં આ યુવતીએ માલધારી સમાજની બહેનોનો પરંપરાગત પહેરવેશ પહેરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઈન્ડિયાઝ ટોપ મોડલ 2021નું દેશના 34 શહેરોમાં ઓડિશન હતું. જેમાં 1 માસ પહેલા પોરબંદરમાં ઓડિશન રાખવામાં આવ્યું હતું. આ ઓડિશનમાં પોરબંદરની યુવતી કશીશ થાનકીએ ભાગ લીધો હતો અને તે સિલેક્ટ થઈ હતી.
બાદ ગત તારીખ 2થી 5 એપ્રિલ સુધી મધ્યપ્રદેશના શીઓપૂર ખાતે ઈન્ડિયાઝ ટોપ મોડલ 2021ની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જુદા-જુદા રાજ્ય અને જિલ્લાઓના સ્પર્ધકોએ મીસ, મિસિસ, મિસ્ટર અને કિડ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં પોરબંદરની 18 વર્ષીય યુવતી કશીશ થાનકીએ મેદાન મારી મીસ ગુજરાત બની છે. પોરબંદરની આ યુવતીએ પ્રથમ વખત જ સ્પર્ધામાં ભાગ લઈ સિદ્ધિ હાંસલ કરી કરી છે. આ સ્પર્ધામાં પાંચ રાઉન્ડ હતા જેમાં ટેલેન્ટ રાઉન્ડ, કેટવોક સહિતના રાઉન્ડ હતાં.
જેમાં પોરબંદરની યુવતી નેશનલ કોસ્ચ્યુમમાં માલધારી સમાજની બહેનોનો પરંપરાગત પહેરવેશ પહેરી સ્ટેજ પર આવતા ઉપિસ્થત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આમ પાંચ રાઉન્ડના અંતે પોરબંદરની યુવતી કશીશએ મેદાન મારી મીસ ગુજરાત બની અને પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં વિજેતા બનતા તેને આગામી સમયમાં વિવિધ કંપનીમાં ફોટો શૂટ કરવા તથા આગામી સ્પર્ધામાં જજ તરીકે પણ બેસવાનો મોકો મળશે.
પોરબંદર જેવા નાના શહેરના મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી કશીશે મેટ્રો સીટીમાંથી આવતી યુવતીઓને મ્હાત આપીને મેદાન માર્યું છે. કશીશ હાલ પોરબંદર પોલીટેકનીક કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરીગ કોર્સના બીજા વરસમાં અભ્યાસ કરે છે અને તેણીએ આગામી સમયમાં મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ બનવાનું સ્વપ્ન સેવ્યું છે જે પરિવારના સાથ સહકારથી સાકાર કરવા સતત મહેનત કરશે તેવું જણાવ્યું હતું.