ખીજડી પ્લોટમાં પોલીસ ચોકી પાસે બે માસુમ બાળકોની નજર સામે પિતાની હત્યા

મૃતકની પત્ની સહિત સામે હત્યાનો નોંધાતો ગુનો

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી પાસે ગત રાતે અનૈતિક સંબંધના કારણે ગઢવી યુવાનની સરા જાહેર હત્યા થતાં સનસનાટી મચી ગઇ છે. પોરબંદરમાં દસ દિવસમાં ચાર-ચાર હત્યાના બનાવથી લોકોમાં ફફડાટ મચી ગયો છે. પત્નીએ પ્રેમ અને તેના સાગરીતોની મદદથી પોતાના બે માસુમ બાળકોની નજર સામે પતિની કરેલી હત્યાથી પોલીસમાં દોડધામ થઇ ગઇ છે. કમલા બાગ પોલીસે મૃતક યુવકની પત્નીની અટકાયત કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાથાભાઇ રામભાઇ નામના ગઢવી યુવાનની તેની પત્ની નિતા, તેનો પ્રેમી રહીમ તેના સાગરીતો મેરાજ અને તૌફિક નામના શખ્સોએ ખીજડી પ્લોટ  વિસ્તારમાં પોલીસ ચોકી પાસે આંતરી છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા મૃતકના ભાઇ વાલાભાઇ રામભાઇ ગઢવીએ કમલા બાગ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

કાથાભાઇ ગઢવી પોતાની પત્ની નિતાબેન અને બે બાળકો સાથે એકિટવા પર ખીજડી પ્લોટ વિસ્તારમાંથી પસાર થતા હત્યા ત્યારે રહીમ, મેરાજ તૌફિક બાઇક પર ધસી આવ્યા હતા અને છરીથી કાથાભાઇ પર હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બે માસુમ બાળકોની નજર સામે તેના પિતાની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. હુમલા દરમિયાન મૃતકના પત્ની નિતાબેન ગઢવીના હાથમાં છરી લાગતા ઇજા થઇ છે.

મુળ જામનગરની વતની નિતાબેનના આઠેક વર્ષ પહેલા કાથાભાઇ ગઢવી સાથે લગ્ન થયા હતા લગ્ન જીવન દરમિયાન બે સંતાનનો જન્મ થયો હતો. દરમિયાન પાડોશમાં રહેતા રહીમ નામના શખ્સ સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને ભાગી ગયા હતા. કાથાભાઇ ગઢવી તેની પત્ની નીતાબેનને સમજાવી પરત લાવ્યા હતા. ત્યારથી બન્ને વચ્ચે ઝઘડા થતા હોવાથી નીતાબેને પોતાના પ્રેમી રહીશ સાથે મળી કાથાભાઇ ગઢવીની હત્યાનો પ્લાન બનાવતા રહીમ પોતાના સાગરીત તૌફિક અને મેરાજની મદદ લઇ હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.કમલા બાગ પોલીસે મૃતકની પત્ની નીતાબેન તેના પ્રેમી રહીમ સહીત ચારેય સામે હત્યાનો ગુનો નોંધ તપાસ હાથ ધરી છે.

દસ દિવસમાં હત્યાનો ચોથો બનાવ

પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે દીન પ્રતિદિન કથળી રહી હોય તેમ હત્યાના બનાવો વધવા પામ્યા છે.જેમાં એક અઠવાડિયાની અંદર હત્યાનો ચોથો બનાવો આવતા ચકચાર મચી જવા પામી છે. બે દિવસ પહેલા જેઠે છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા નીપજાવી હતી. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે તે પહેલાં બખરલા ગામે જમીન માંથી કેનાલ કાઢવા બાબતે શેઢા પાડોશીએ ફાયરીંગ કરી વૃદ્ધની હત્યા કરી હતી.જે પહેલા પણ એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો અને ફરી ગઈકાલે હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.