1 લાખ રોકડ-સોના મળી રૂ.3 લાખના પર્સની ઉઠાંતરી
પોરબંદરમાં જાન આગમન સમયે વરરાજાને પોખવા માટે સાસુ ગયા ત્યારે તેમણે રાખેલા પર્સની કોઈએ ચોરી કરી લીધી હતી, જેમાં બે લાખની સોનાની બંગડી અને એક લાખની રોકડની ચોરી થતા કન્યાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદરના ખારવાવાડમાં આવેલ પંચહાટડીમાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા આકાશ દિનેશભાઈ ભાદ્રેચા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની બહેન રિદ્ધીના તારીખ 26 જાન્યુઆરીના લગ્ન હોવાથી નવા ફુવારા પાસે આવેલ ખારવા વિદ્યાથર્ી ભવન ભાડે રાખ્યું હતું. અને સવારથી જ તેઓ લગ્ન સ્થળે આવી ગયા હતા અને ચાર વાગ્યે જાનનું આગમન થયું હતું. તેથી આકાશ તથા તેના પિતા દિનેશભાઈ, માતા સુનીતાબેન અને પરિવારના સભ્યો તેમજ અન્ય સગાસબંધીઓ જાનને આવકારવા વેલકમ ગેઈટ પાસે ગયા હતા. ત્યારે ગેઈટ પાસે અંદરના ભાગે ખુરશી ઉપર વરરાજાને પોખવા માટેનો થાળ રાખ્યો હતો.
આથી કન્યાના માતા સુનીતાબેને થાળ હાથમાં લેતી વખતે પોતાની પાસે રહેલ પર્સ ખુરશીની આડશમાં પડદાની બાજુમાં મુક્યું હતું, તે પર્સમાં દિકરી રિદ્ધીને ચડાવવા માટેની પાંચ તોલાની ચાર બંગડી કે જેની કિમત બે લાખ રૂપિયા થાય છે અને એક લાખ રૂપિયાના ૫૦૦-૫૦૦ની નોટના બે બંડલ રાખ્યા હતા. સુનીતાબેન વરરાજાને પોખવાની તૈયારી કરતા હતા એ સમયે પર્સને શોધ્યું પરંતુ મળી આવ્યું ન હતું અને જ્યાં પર્સ રાખેલું હતું એ પડદામાં કાપો મારેલો જોવા મળ્યો હતો. તેથી પર્સ ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું અને આજુબાજુમાં તપાસ કરતા તેમજ સગાસબંધીઓને પૂછતા પર્સ મળ્યું ન હતું. તેથી દાગીના અને રોકડ સહિત ત્રણ લાખનો મુદામાલ ચોરાયાની અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોધાઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં તસ્કરો હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.