અબતક-પોરબંદર
પોરબંદર ખાતે ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા ચાર સ્થળો નિયત કરાયા હતા. જેમાંથી અસ્માવતી ઘાટ પાસે બનાવાયેલ કુંડ ખાતે પરમ દિવસે મોડી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ ગણેશ વિસર્જન કયુઁ હતું. આ દરમ્યાન માણેક ચોક શાક માર્કેટ નજીક રહેતો જીત નરેશ લોઢારી નામનો 17 વર્ષીય કિશોર પણ મિત્રો સાથે ગણેશ વિસર્જન કરવા માટે ગયો હતો, જ્યાં વિસર્જન બાદ તેના ત્રણ મિત્રો સાથે દરિયામાં નહાવા પડ્યો હતો. પરંતુ હાલ દરિયામાં ભારે કરંટ હોવાથી તોફાની મોજામાં જીત ખેંચાઈ ગયો હતો.
જ્યારે તેના ત્ર્ાણ મિત્ર્ાો તુરંત બહાર આવી ગયા હતા. જીત દરિયામાં તણાઈ જતા સૌ પ્રથમ ત્યાં રહેલા પીલાણા મારફત તેની શોધખોળ હાથ ધરાઈ હતી અને ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી. પરંતુ તેઓને જીતને શોધવામાં સફળતા મળી ન હતી. આથી ગઈકાલે બપોરે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરની મદદ વડે પણ તેનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું તેમ છતાં તે મળી આવ્યો ન હતો. ત્યાર બાદ એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ હતી અને તેની રેસ્ક્યુ બોટ વડે શોધખોળ કરવામાં આવી હતી.
ખારવા સમાજ સમાજના આગેવાનોએ પણ સતત સર્ચ ઓપરેશનમાં સાથે રહી તેની ભાળ મળે તે માટે પ્રયત્ન કર્યા હતા. જેમાં ગઈ કાલે મોડી સાંજે જીત લોઢારીનો મૃતદેહ ચોપાટી નજીકના દરિયામાંથી મળી આવ્યો હતો, જેના પગલે ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.