૧.૨ થી લઇ ૨.૩ સુધીના આંચકા અનુભવાયા
રાજ્યમાં ઠંડી વધતાની સાથે જ ભૂકંપના આંચકામાં પણ વધારો થયો છે ત્યારે મોડીરાતે પોરબંદર, તાલાલા અને ઉનાની ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોરબંદરમાં ભૂકંપના ૨ આંચકા જ્યારે તાલાલા અને ઉનામાં એક-એક આંચકો નોંધાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મોડીરાતે ૧:૪૭ વાગ્યે પોરબંદરથી ૩૫ કિમી દૂર ૧.૮ની તીવ્રતાનો આંચકો જેનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. તેની નવ મિનિટ બાદ જ ૧:૫૬ વાગ્યે તાલાલાથી ૧૮ કિમી દૂર ૧.૨ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. સવારે ૩:૦૮ કલાકે પોરબંદરથી ૩૫ કિમી દૂર ૨.૩ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સવારે ૩:૪૮ વાગ્યે ઉનાથી ૪૨ કિમી દૂર ૧.૯ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ તો ગીર-સોમનાથના તાલાલા વિસ્તારની ૧૦ થી ૧૨ કિમી દૂર છેલ્લા ૨૦ દિવસથી ભૂકંપ આવી રહ્યો છે અને હવે પોરબંદરના બરડા પંથકમાં તેમજ ઉનામાં પણ આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.