અંતિમ સંસ્કાર બાદ મૃતકના પત્નીએ સમગ્ર ઘટના પરથી ભાંડો ફોડ્યો: વાડી માલિક સામે હત્યાનો નોંધાતો ગુનો
પોરબંદરમાં સોઢાણા ગામે વાડીમાં રહેતા અને મજૂરીકામ કામ કરતા શ્રમિકને વાડી માલિકે માથામાં ધોકાનો ઘા મારી પતાવી દીધાની ઘટના બગવદર પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસે ઘટનાની નોંધ કરી વાડી માલિક સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના સોઢાણા ગામે ભરત રાણા ઓડેદરાની વાડીએ રહેતા અને વાડીમાં લાકડા કાપવાનુ કામ કરતા કલાબેન ભૈરુસિંહ અશ્વનીયા નામના 40 વર્ષીય મહિલાએ બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ પંદરેક દિવસ પહેલા ફરિયાદીના પતિ ભૈરુસિંહ પોતાની વાડીએ હતો ત્યારે વાડી માલિક ભરત રાણા ઓડેદરા ત્યાં આવ્યા અને ભૈરુસિંહને તું કેમ દાડીએ નથી આવ્યો તેમ કહેતા ભૈરુસિંહએ તાવ આવતો હોવાનું જવાબ આપ્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા વાડી માલિકે ભૈરુસિંહને માથાના ભાગે લાકડાના ધોકાનો ધા મારી દીધો હતો.જેમાં ઘવાયેલા ભૈરુસિંહને સારવાર માટે લાંબા સમય બાદ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમની મોત નિપજતા તેમના પત્ની મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વતન રાજસ્થાન લઈ ગયા હતા. જ્યાંથી પરત ફરી કલાબેને વાડી માલિક ભરત ઓડેદરા સામે ફરિયાદ નોંધાવતા બગવદર પોલીસ મથકના સ્ટાફે વાડી માલિક સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.