વિદેશ ફરવા જવાની સ્કીમના નામે હોટલમાં કપલને સાથે બોલાવી ફસાવ્યા હપ્તેથી રકમ ચુકવવાનું કહી ક્રેડિટ કાર્ડની મદદથી એક રકમ પડાવી લીધી
પોરબંદરના કોસ્ટ ગાર્ડના સિનિયર એકાઉન્ટન્ટ સહિત ચાર સાથે ધ રોયલ રેજીસ હોસ્પિટાલીટી નામની કંપનીની ખોટી ઓળખ આપી વિદેશમાં ફરવા જવા અંગેની સ્કીમ સમજાવી રૂા.80 હજાર હપ્તેથી ચુકવવાનું કહી ક્રેડીટ કાર્ડની મદદથી ચાર કપલ સાથે રૂા3.40 લાખની છેતરપિંડી થયાની બે યુવતી સહિત પાંચ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના એરપોટઈ નજીક એન.કે.મહેતાનગરમાં રહેતા અને કોસ્ટ ગાર્ડમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અવધેશકુમાર રઘુવંશકુમાર નિગમે પોરબંદરના ભાવિક બાબુ આહિર, આશુ રાજપૂત, નેહા લોઢા, નિશા શર્મા અને અસ્ફાક નામના શખ્સો સામે વિદેશમાં ફરવા સ્કીમના નામે છેતરપિંડી કર્યાની કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અવધેશકુમાર નિગમને ગત તા.14 જુલાઇએ ધ રોયલ રેજીસ હોસ્પિટાલીટી નામની કર્મચારીના નામે મોબાઇલમાં વાત કરી કંસારા હોટલમાં પત્ની આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી અવધેશકુમાર પોતાના પત્ની નિતાબેન સાથે એમ.જી.રોડ પર આવેલી કંસારા હોટલ ખાતે સાંજે મળવા માટે ગયા હતા ત્યારે કંસારા હોટલમાં નવ જેટલા કપલને પાંચ યુવક અને ચાર યુવતીઓ વિદેશ પ્રવાસ અંગે સમજ આપી રહ્યા હતા.
અવધેશકુમાર નિગમ અને તેમના પત્ની નિતાબેનને પારિવારીક માહિતી પૂછવામાં આવી હતી. અને ધ રોયલ રેજીસ હોસ્પિટાલીટી કંપની દ્વારા એક વર્ષમાં સાત દિવસ અને છ રાત્રીના પ્રવાસ અંગે સમજ આપવામાં આવી હતી. પાંચ વર્ષ સુધી મેમ્બર બનેલાઓને 50 દિવસના પ્રવાસ અને દુબઇની આવક-જાવકની ટિકિટ આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જે પેટે રૂા.80 હજાર હપ્તેથી ચુકવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભાવિક બાબુ આહિર નામનો શખ્સ મળ્યો હતો તેને પોતાની કંપનીના મેનેજર તરીકે ઓળખ આપી હતી અને આશુ રાજપૂત પણ કંપનીના મેનેજર હોવાની ઓળખાણ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ નેહા લોઢા અને નિશા શર્મા નામની બે યુવતીઓ મળી હતી. તેણીએ મેમ્બર બનવા માટે અસ્ફાકની મુલાકાત કરાવી હતી. તેને જરૂરી દસ્તાવેજ તૈયાર કરવા માટે ફોર્મ ભરવાનું કહ્યું હતું અને ક્રેડિટ કાર્ડ કઢાવી તેમાંથી હાલ પુરતા રૂા.80 હજાર બ્લોક થશે અને ત્યાર બાદ તેમાંથી હપ્તેથી રકમ ઉપડશે તેમ સમજ આપી હતી.
બીજા દિવસે અવધેશકુમાર નિગમના બેન્ક એકાઉન્ટમાંથી પુરે પુરા રૂા.80 હજાર ઉપડી ગયાનો મોબાઇલમાં મેસેજ આવ્યો હતો. આથી તેઓ ફરી કંસારા હોટલ ખાતે ધ રોયલ હોસ્પિટાલીટી કંપનીના કર્મચારીઓને મળવા ગયા હતા ત્યારે તેઓએ બેન્કમાં ફરી જમા થઇ જશે તેમ સમજાવ્યું હતું. બીજા દિવસે શનિ-રવિની રજા હોવાથી બેન્કમાંથી કંઇ મેસેજ આવ્યો ન હતો અને ધ રોયલ હોસ્પિટાલીટી કંપનીના કર્મચારીઓ ત્યાં હાજર ન હતા પરંતુ ત્યાં મિહીર નરોતમભાઇ નાંઢા, જીતેશ જયંતીલાલ શાહ અને સંજય રમણકાંત રાણીંગા મળ્યા હતા તેઓની સાથે પણ રૂા.85-85 હજારની છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. કમલાબાગ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.ડી.દેસાઇએ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.