- જેતપુર ડોઇંગ ઉદ્યોગ માટે માઠા સમાચાર
- આગામી ગુરૂવારે પોરબંદર સહિત રાજ્યભરના દરિયા કાંઠાના ગામો સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવશે
- જરૂર પડ્યે રસ્તા રોકો અને જેલભરો આંદોલન, કોર્ટના દ્વાર પણ ખખડાવવાની ખારવા સમાજની તૈયારી
- “ડીપ સી” યોજનાથી લાખો દરિયાઇ જીવસૃષ્ટિ ખતમ થઇ જશે: માછીમારી ઉદ્યોગ પતી જશે
જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદુશિત પાણી દરિયામાં ઠાલવવાની રાજ્ય સરકારની યોજના સામે ખારવા સમાજમાં વિરોધ વંટોળ ફાટી નિકળ્યો છે. આગામી ગુરૂવારે પોરબંદર સહિત રાજ્યભરના દરિયાકાંઠાના ગામો આ યોજનાના વિરોધમાં સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવશે. જો સરકાર દ્વારા આ યોજનાને રદ્ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
જેતપુરના સાડી ઉદ્યોગોમાંથી નિકળતા કેમીકલયુક્ત પ્રદુષીત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. આ યોજના સંદર્ભે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેની સામે ખારવા સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ યોજના સામે જલદ આંદોલન ચલાવવા તાજેતરમાં પોરબંદર ખાતે ખારવા સમાજના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં લડતની રણનીતી ઘડવામાં આવી હતી. આગામી ગુરૂવારે પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવશે.
ખારવા સમાજ અને વિવિધ સામાજીક સંસ્થાઓના વ્યાપક વિરોધ છતા રાજ્ય સરકાર દ્વારા સાડી ઉદ્યોગના પ્રદુશિત પાણીને દરિયામાં ઠાલવવાની “ડીપ સી” યોજના માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો આ યોજનાની અમલવારી કરવામાં આવશે તો પોરબંદર સહિત આસપાસના વિસ્તારમાં દરિયાઇ જીવસૃષ્ટિ ખતમ થઇ જશે. માછીમારી ઉદ્યોગને મોટો ફટકો પડશે. રાજ્ય સરકારની “ડીપ સી” યોજના સામે પરિણામલક્ષી લડત ચલાવવા માટે પોરબંદર ખાતે ખારવા સમાજની બે દિવસની બેઠક મળી હતી. જેમાં આગામી 26મી ડિસેમ્બરના રોજ પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવશે. જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર પણ આપશે. છતા જો સરકાર પોતાની યોજનાને પાછી નહીં ખેંચે તો ખારવા સમાજ કોર્ટના દ્વાર ખખડાવશે.
ખારવા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રશ્ર્ન માત્ર પોરબંદરનો નથી આખા ગુજરાતનો છે. સાડી ઉદ્યોગનું પ્રદુશિત પાણી જો દરિયામાં ઠાલવવામાં આવશે તો આખા રાજ્યનો દરિયો પ્રદુશિત બની જશે. લાખો દરિયાઇ જીવસૃષ્ટિ ખતમ થઇ જશે. માછીમારી ઉદ્યોગ નામશેષ થઇ જશે. લાખો માછીમારોની રોજગારી છીનવાઇ જશે. ખારવા સમાજ હમેંશા ભાજપ સાથે અડિખમ ઉભો રહ્યો છે. છતા રાજ્ય સરકારે આવો નિર્ણય લીધો તે સમજાતું નથી. આ યોજના રદ્ કરવા માટે આંદોલન ચલાવવામાં આવશે. જરૂર પડ્યે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. જેલમાં જવું પડે તો પણ અમારી તૈયારી છે. અદાલતના પણ દ્વાર ખખડાવવામાં આવશે.
‘ડીપ સી’ યોજના સામે ખારવા સમાજમાં વ્યાપક વિરોધ: પવનભાઇ શિયાળ
ગુજરાતના સમુદ્રને પ્રદુષણ મુકત બનાવવા જેતપુરના ઉદ્યોગોનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના રદ કરવા બાબતે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઇ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમા શનિવારે અને રવિવારે બે દિવસીય બેઠક મળી હતી. ક્યાંકને ક્યાંક ખારવા સમાજ પણ સરકારની વિરુદ્ધ થઈ રહ્યું છે, જેતપુરના ઉદ્યોગોનું ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠલવાય તે પહેલા જ માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં ખારવા સમાજે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. પરંતુ જેતપુરના પાણીની યોજના રદ ન થવાના કારણે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. આંદોલનને વધુ વેગવાન બનાવવાની પણ વિચારણા કરવામાં આવી છે.